Featured|દેશદેશ

દિલ્હીની કોર્ટે અહમદ પટેલ પર લગભગ 7 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો

દિલ્હીની કોર્ટે અહમદ પટેલ પર લગભગ 7 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે એક મોટો ઝટકો આપતા તેમને અને તેમના ભાગીદાર પર રૂ. 6 કરોડ 92 લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે અહમદ પટેલ અને તેમના ભાગીદારને દિલ્હીના કર્બલા વિસ્તારની જમીન ખાલી કરવાનો પણ હુકમ કર્યો છે આ માટે કોર્ટે અહમદ પટેલને એક મહિનાનો સમય આપ્યો છે.

યાચિકાકર્તાના વકીલ મેહમૂદ પાર્ચા જો કે અદાલતના આ નિર્ણયથી ખુશ નથી અને તેમણે અત્યારથી જ આ નિર્ણય વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટ જવાનું વિચારી લીધું છે. પાર્ચાનું કહેવું છે કે અહમદ પટેલે પોતાના પ્રભાવનો ઉપયોગ કીને કમિટીના સભ્યોને ડરાવવા માટે તેમના પર 50 થી પણ વધુ FIR દાખલ કરી છે.

આ મામલાની વિગત એવી છે કે દિલ્હી વક્ફ બોર્ડ અને અહમદ પટેલ માટે અઢી એકરની જમીન માટે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો. પરંતુ 2015માં આ જમીન પર જબરદસ્તીથી ઘુસણખોરી કરીને લોકોને ધમકી આપવાનો મામલો સામે આવ્યો હતો. કોર્ટે આ મામલે સંજ્ઞાન લીધું હતું પરંતુ યાચિકાકર્તા દ્વારા અહમદ પટેલ પર FIR નોંધવાની માંગને તેણે ફગાવી દીધી હતી.

આ મામલે ઝહરુલ હસન નામના વ્યક્તિએ ફરિયાદ કરી હતી કે દિલ્હી વક્ફ બોર્ડની કેટલીક મોંઘી સંપત્તિઓમાંથી એક જોરબાગ વિસ્તારમાં આવેલી છે અને આ એક મોટું અને ખુલ્લું મેદાન હોવાને લીધે તેના પર કેટલાક સંસદ સભ્યો અને ભૂમાફિયાઓન નજર છે. હસને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ અંજુમન એ હૈદરીના મેનેજર છે એટલે અલીગંજ, જોરબાગના કર્બલામાં વક્ફની જેટલી સંપત્તિઓ છે તેના તેઓ ટ્રસ્ટી છે અને તે શિયા મુસલમાનોના પવિત્ર સ્થળોમાંથી એક છે.

હસનના જણાવ્યા અનુસાર 2015માં એક દિવસે બપોરની મજલીસના સમયે કેટલાક લોકો મોટી સંખ્યામાં પોલીસ અને સ્થાનિક લોકોને લઈને જબરદસ્તીથી આ જમીનમાં ઘુસી આવ્યા હતા અને ભડકાઉ ભાષણ કરતા કરતા ત્યાં રહેલી ચીજવસ્તુઓને નુકશાન કર્યું હતું. હસને દાવો કર્યો છે કે હુમલો કરનારાઓએ ખુદ કોંગ્રેસી સંસદ સભ્યનું નામ લઈને કહ્યું હતું કે જો તેઓ આ કેસ પરત લે છે તો તેઓ આ ઘુસણખોરી અને  હુમલાઓ બંધ કરી દેશે.