Featured|દેશ

મોદીની હત્યા કરવાની ધમકી આપનાર કોંગ્રેસની પ્રથમ યાદીમાં સામેલ

મોદીની હત્યા કરવાની ધમકી આપનાર કોંગ્રેસની પ્રથમ યાદીમાં સામેલ

આવનારી લોકસભાની ચૂંટણીઓમાં ભાજપ કરતા વહેલી યાદી જાહેર કરવાની હોંશમાં કોંગ્રેસે એક મોટી ભૂલ કરી દીધી છે. ગઈકાલે મોડી સાંજે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી જેમાં અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ગુજરાતના આણંદ બેઠક માટે ભરતસિંહ સોલંકીના નામ ઉપરાંત એક નામ એવું પણ હતું જેણે 2014ની ચૂંટણીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાની ખુલ્લેઆમ ધમકી આપી હતી.

આ વ્યક્તિનું નામ છે ઇમરાન મસૂદ જેને કોંગ્રેસે સહરાનપુરથી ટીકીટ આપી છે. ઇમરાન મસૂદે 2014ની લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન પોતે નરેન્દ્ર મોદીના ટુકડેટુકડા કરી નાખશે તેવી ધમકી આપી હતી અને એ પણ એક જાહેરસભામાં. ઇમરાન મસૂદ આ ચૂંટણીમાં હારી ગયો હતો અને ત્યારબાદ પોતાના ભાષણ માટે તે જેલમાં પણ જઈ આવ્યો છે.

ઇમરાન મસૂદનું આખું પરિવાર શંકાસ્પદ ભૂતકાળ ધરાવે હ્હે. ઇમરાન મસૂદનો ભત્રીજો રશીદ મસૂદના નામે સંસદ સભ્ય તરીકે ગેરલાયક બનનાર પ્રથમ સાંસદનો વિક્રમ છે. સપ્ટેમ્બર 2013માં રશીદ મસૂદના કેસમાં જ સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો હતો કે જે વ્યક્તિ સામે ગંભીર મામલા પેન્ડીંગ હોય તે લોકસભાનો સભ્ય બની ન શકે.

જો કે આવું પ્રથમવાર નથી બન્યું કે ઇમરાન મસૂદને કોંગ્રેસ તરફથી પુરસ્કાર આપવામાં આવ્યો હોય. અગાઉ 2016માં તેને ઉત્તર પ્રદેશ કોંગ્રેસનો ઉપપ્રમુખ પણ બનાવવામાં આવ્યો હતો. ઇમરાન મસૂદના સમર્થનમાં વરિષ્ઠ કોંગ્રેસી નેતા સલમાન ખુરશીદ પણ આવ્યા છે. તેમણે કહ્યું છે કે “એક વખત કોઈ વસ્તુ બોલી દેવાથી કોઈને જીવનભર સજા ન આપી શકાય.”

કોંગ્રેસ ગુંડાગર્દી કરનાર ઇમરાન મસૂદને કેટલું બધું મહત્ત્વ આપે છે તે એ બાબતથી સમજાઈ જાય છે કે જે યાદીમાં તેના વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ભરતસિંહ સોલંકી, જિતિન પ્રસાદ કે પછી અન્નુ ટંડનના નામ હોય એ જ લીસ્ટમાં આવા ગુનેગાર વ્યક્તિને પણ સામેલ કરવામાં આવ્યો છે. વળી, આ કોંગ્રેસની પ્રથમ યાદી છે જેથી તેનું મહત્ત્વ ઘણું બધું વધી જાય છે.

મોદીની હત્યા કરવાની ધમકી આપનાર કોંગ્રેસની પ્રથમ યાદીમાં સામેલ

રાહુલ ગાંધીએ જ્યારે લોકસભામાં નરેન્દ્ર મોદીને અચાનક જ ભેટી પડવાનું નાટક કર્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ‘પ્રેમનું રાજકારણ રમવામાં માને છે.’ હવે એ જ નરેન્દ્ર મોદીના ટુકડેટુકડા કરી દેવાની ધમકી આપનાર વ્યક્તિને પોતાની પ્રથમ યાદીમાં જ ટિકિટ આપવાનું સન્માન આપવાથી કોંગ્રેસ કેવા પ્રકારના પ્રેમનું રાજકારણ રમી રહી છે તે જનતા બરોબર જોઈ રહી છે.