આયુષ્માન ભારત|દેશ

ટ્રેનના કોચ બનાવવામાં ભારતે ચીનને હંફાવ્યું

ટ્રેનના કોચ બનાવવામાં ભારતે ચીનને હંફાવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મેઇક ઇન ઇન્ડિયા રંગ લાવી રહ્યું છે. હાલમાં મળતા આંકડાઓ અનુસાર ચેન્નાઈ સ્થિત ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી (ICF) એ ફેબ્રુઆરીમાં 301 રેલ્વે કોચનું ઉત્પાદન કરવાની સાથે તેણે આ નાણાકીય વર્ષમાં કુલ 2,919 રેલવે કોચ ઉત્પાદનનો વિક્રમી આંકડો સર કર્યો હતો જેણે ICFને વિશ્વમાં સહુથી મોટા રેલવે કોચ ઉત્પાદક તરીકે સ્થાપી દીધું છે.

અત્યારસુધી આ ક્ષેત્રમાં ચાઇનીઝ કોચ બિલ્ડર્સનો દબદબો હતો, પરંતુ આ નાણાંકીય વર્ષમાં ચીની કોચ બિલ્ડર્સ 2,600 રેલવે કોચ બનાવી શક્યા છે. એક સમાચાર અનુસાર ICF દ્વારા આ બીજી વખત એક જ મહિનામાં 300 કે તેનાથી વધુ રેલવે કોચ બનાવવામાં આવ્યા હોય. ગયા વર્ષે આ જ સમયગાળામાં 2,085 રેલવે કોચનું ઉત્પાદન ICF દ્વારા કરવામાં આવ્યું છે. જો કે હજી પણ આ નાણાંકીય વર્ષમાં એક મહિનો બાકી છે એવામાં ICF 3,200 કોચનો લક્ષાંક સિદ્ધ કરવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.

ICF ચેન્નાઈ દ્વારા આ વર્ષે ભારતમાં સ્થિત અન્ય પાંચ રેલવે કોચ બિલ્ડીંગ ફેક્ટરીના કુલ ઉત્પાદન કરતા પણ વધુ રેલવે કોચ ઉત્પાદિત કર્યા છે. અત્રે એ નોંધવું જરૂરી છે કે હાલમાં જ શરુ થયેલી વંદે ભારત એક્સપ્રેસના કોચ પણ ICF દ્વારા જ બનાવવામાં આવ્યા હતા. ICFને 43 બીજા વંદે ભારત એક્સપ્રેસના કોચનો ઓર્ડર પણ મળી ગયો છે જે તે આવનારા ત્રણ ઉત્પાદન વર્ષમાં તબક્કાવાર પૂર્ણ કરશે.

આ ઉપરાંત ઉત્તર પ્રદેશના રાય બરેલીમાં આવેલી મોડર્ન કોચ ફેક્ટરીએ (MCF) પણ આ વર્ષે રેકોર્ડ ઉત્પાદન કરતા અત્યારસુધીમાં 1,283 કોચનું ઉત્પાદન કર્યું છે જે ગયા વર્ષની સંખ્યા 586 કરતા બમણાથી પણ વધારે છે.