Featured|દેશ

પોતાની અંગત બચતમાંથી 21 લાખ રૂપિયા વડાપ્રધાને દાન કર્યા

પોતાની અંગત બચતમાંથી 21 લાખ રૂપિયા વડાપ્રધાને દાન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની અંગત બચતમાંથી રૂ. 21 લાખ કુંભ સફાઈ કર્મચારી કોર્પસમાં દાન કર્યા છે. આ ફંડ હાલમાં જ સમાપ્ત થયેલા કુંભ મેળાને સતત બે મહિના સુધી સ્વચ્છ રાખવાના ભગીરથ કાર્યને પાર પાડનારા સફાઈ કર્મચારીઓ માટે ખાસ ઉભું કરવામાં આવ્યું હતું.

24 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી ખુદ પ્રયાગરાજમાં આયોજિત કુંભ મેળાની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે સ્વચ્છ કુંભ સ્વચ્છ આભાર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સ્વચ્છ પેયજલ અને સ્વચ્છતા મંત્રાલયે આયોજિત કર્યો હતો. અહીં વડાપ્રધાને બધાના આશ્ચર્ય વચ્ચે કેટલાક સફાઈ કમર્ચારીઓના પગ ધોયા હતા જેમણે સતત કુંભ મેળાની સ્વચ્છતા અંગે ધ્યાન રાખ્યું હતું. વડાપ્રધાન મોદીના આ કાર્યને ખૂબ વખાણવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા અને ખાસકરીને ગંગાની સફાઈ માટે કેટલા આગ્રહી છે તેનું ઉદાહરણ મળ્યું હતું ગયા મહીને જ્યારે તેમણે પોતાના શાસનકાળ દરમ્યાન મળેલી લગભગ 1800 જેટલી ભેટસોગાદોની હરાજી કરાવી હતી અને તેના દ્વારા ઉભા થયેલા લગભગ રૂ. 90 કરોડ ગંગા સફાઈ અભિયાન અંતર્ગત ચાલી રહેલા નમામિ ગંગે પ્રોજેક્ટમાં દાન કરી દીધા હતા.

આ ઉપરાંત ગયા મહીને વડાપ્રધાન મોદીને સાઉથ કોરિયાના સિઓલમાં મળેલા સિઓલ પીસ પ્રાઈઝની લગભગ રૂ. 1.3 કરોડ જેટલી રકમ પણ નમામિ ગંગેમાં દાન કરી દીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે જો કે આ નવું નથી. જ્યારે તેઓ વડાપ્રધાન તરીકે ચૂંટાયા અને ગુજરાત છોડીને દિલ્હી ગયા ત્યારે પણ તેમણે મુખ્યમંત્રી તરીકેની પોતાની સમગ્ર આવક જે લગભગ વીસ થી બાવીસ લાખ રૂપિયા થતી હતી તેને કન્યા કેળવણીમાં તેમણે દાન કરી હતી.