Featured|દેશ

75 ટકા ભારતીયો માને છે કે નરેન્દ્ર મોદી સરકાર…

75 ટકા ભારતીયો માને છે કે નરેન્દ્ર મોદી સરકાર...

સોશિયલ મિડિયામાં હાલમાં જ કરવામાં આવેલા એક સરવેમાં એવું જાણવા મળ્યું છે કે વડાપ્રધાન 75 ટકા લોકોની અપેક્ષા પર ખરા ઉતર્યા છે અથવાતો એમની અપેક્ષા કરતા પણ વધુ સારો દેખાવ કર્યો છે. સરવેના કુલ 30 ટકા લોકોના કહેવા અનુસાર નરેન્દ્ર મોદી સરકારે તેમની અપેક્ષા કરતાં પણ વધુ સારો દેખાવ કર્યો છે. યાદ રહે આ ટકાવારી ગયા વર્ષે 17 ટકા રહી હતી આમ લગભગ અડધા જેટલી સંખ્યા નરેન્દ્ર મોદી સરકારની કામગીરીથી અપેક્ષા કરતા પણ વધારે સંતુષ્ટ રહ્યા છે.

લોકલ સર્કલ્સ નામની એક વેબસાઈટ પર આ સરવે હાથ ધરવામાં આવ્યો હતો અને તેમાં દેશના 250 જીલ્લાઓના 65,000 નાગરિકોએ હિસ્સો લીધો હતો. આ સરવેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્તરના શહેરોમાં રહેતા નિવાસીઓ તેમજ ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને પણ આવરી લેવામાં આવ્યા હતા. આ સરવેમાં ભાગ લેનારાઓની સરેરાશ ઉંમર 35 વર્ષની હતી.

  • 70 ટકા લોકોનું માનવું છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળની NDA સરકારે તેણે 2014માં આપેલા વચનોનું પાલન કર્યું છે.
  • 85 ટકા લોકો કહે છે કે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ દેશમાં આતંકવાદી ઘટનાઓ ઓછી થઇ છે. આ ટકાવારી ગયા વર્ષે 51 ટકા જેટલી હતી.
  • 64 ટકા લોકો મત ધરાવે છે કે છેલ્લા સાડા ચાર વર્ષમાં દેશમાં ભ્રષ્ટાચાર ઓછો થયો છે.
  • 57 ટકા લોકોનું એમ કહેવું છે કે નરેન્દ્ર મોદીના શાસનકાળમાં મોંઘવારી પર કાબુ મેળવવામાં આવ્યો છે અને જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ખાસ વધારો જોવા મળ્યો નથી.
  • બાળકો વિરુદ્ધના ગુનાઓ અંગે 55 ટકાનો મત હતો કે તેમાં હાલની સરકારના સમયગાળામાં ઘટાડો થયો છે.
  • 65 ટકા જેટલી મોટી બહુમતિ માને છે કે નરેન્દ્ર મોદી સરકારે સંસદ વ્યવસ્થિતપણે ચલાવી છે અને મોટી સંખ્યામાં કાયદાઓ પસાર કરાવવામાં તે સફળ રહી છે.
  • 48 ટકા લોકોનું કહેવું છે કે નરેન્દ્ર મોદી સરકાર બેરોજગારીની સમસ્યા સાથે કામ પાર પાડવામાં સફળ રહી છે.