આયુષ્માન ભારત|દેશ

રામ જન્મભૂમી કેસ: સુપ્રિમ કોર્ટે મધ્યસ્થી અંગેનો આદેશ અનામત રાખ્યો

રામ જન્મભૂમી કેસ: સુપ્રિમ કોર્ટે મધ્યસ્થી અંગેનો આદેશ અનામત રાખ્યો

સુપ્રિમ કોર્ટમાં આજે રામ જન્મભૂમિ પર ફરી એકવાર સુનાવણી થઇ હતી. પાંચ જજોની બેંચ સમક્ષ આજે આ મુદ્દો વિચારાધીન હતો. આજની કોર્ટની કાર્યવાહી આ મામલે કોઈ મધ્યસ્થી કરી શકાય કે કેમ તે અંગે હતી. કોર્ટ શરુ થતા જ હિંદુ મહાસભાએ મધ્યસ્થીનો વિરોધ કર્યો હતો. આ સામે જસ્ટિસ બોબડેએ કહ્યું હતું કે મધ્યસ્થી એક સારો વિચાર છે. છૂટાછેડાના મામલાઓ પણ ઘણીવાર મધ્યસ્થીને લીધે સુમેળમાં પરિવર્તિત થતા હોય છે.

જસ્ટિસ બોબડેએ કહ્યું હતું કે મધ્યસ્થીનું પરિણામ શું આવશે એની અમને ખબર નથી પરંતુ આ મુદ્દો માત્ર જમીનના માલિકી હક્કથી નહીં પરંતુ ભાવનાઓથી આ મુદ્દો જ્યારે જોડાયેલો છે ત્યારે એક વખત વાતચીતની કોશિશ તો થવી જોઈએ. મુસ્લિમ પક્ષોનું કહેવું હતું કે મધ્યસ્થીથી ઉકેલ આવે જ એ શક્ય નથી.

ત્યારબાદ સુપ્રિમ કોર્ટે બંને પક્ષો વચ્ચે કોઇપણ પ્રકારની વાતચીત મધ્યસ્થીની હાજરીમાં થાય ત્યારે તે ખાનગી રહે તેવી પણ ઓફર કરી હતી. આ ઉપરાંત જ્યારે પણ આ પ્રક્રિયા ચાલુ હોય ત્યારે વક્ફ બોર્ડની માંગણી અનુસાર મિડિયાને પણ તેને દૂર રાખવામાં આવે.તેમ છતાં સુપ્રિમ કોર્ટે મધ્યસ્થી અંગે દબાણ કરવાની પણ ના પાડી હતી.

એક અન્ય જજ જસ્ટિસ ચંદ્રચુડને લાગ્યું હતું કે મધ્યસ્થીથી કદાચ જ કોઈ ફળ મળે. શાંતિપૂર્ણ વાતચીતથી આ વિવાદનું સમાધાન થાય એ યોગ્ય છે પરંતુ આ સમાધાન કેવી રીતે આવે એ અંગે હજી પણ આપણને બધાને શંકા છે. સુપ્રિમ કોર્ટે બાદમાં મધ્યસ્થીની પ્રક્રિયા શું હોઈ શકે તે અંગે પણ વિચારણા કરી હતી.

મધ્યસ્થીના મામલે જસ્ટિસ બોબડે અને જસ્ટિસ ચંદ્રચુડ વચ્ચે મતભેદ સ્પષ્ટ થયા હતા. એક તરફ જસ્ટિસ બોબડે મધ્યસ્થીને જ ઉકેલ માની રહ્યા હતા જ્યારે બીજી તરફ જસ્ટિસ ચંદ્રચુડ માત્ર મધ્યસ્થી દ્વારા જ આ મામલાનો ઉકેલ આવશે તે અંગે વધારે આશાવાદી લાગ્યા ન હતા. જસ્ટિસ બોબડેના મતે મધ્યસ્થી બાદ આવેલું પરિણામ બાધ્ય હોવું જોઈએ જ્યારે જસ્ટિસ ચંદ્રચુડનો મત તેમનાથી વિરુદ્ધ હતો.

કોર્ટમાં હાજર રહેલા રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામિએ કહ્યું હતું કે મધ્યસ્થી યોગ્ય વિચાર છે પરંતુ તેઓ તેની તરફેણ કરતા નથી કારણકે તેમણે પણ ભૂતકાળમાં મધ્યસ્થી બનવાની કોશિશ કરી હતી.

ત્યારબાદ સુપ્રિમ કોર્ટે તમામ પક્ષોને મધ્યસ્થીઓના નામ આપવાનું જણાવી રામ જન્મભૂમી વિવાદ પર પોતાનો ફેંસલો અનામત રાખ્યો હતો જેનો ફેંસલો બહુ જલ્દીથી આવી જવાનો સંભવ છે.