Featured|દેશ

પ્રથમવાર મતદાન કરનારા મતદારો 2019ની લોકસભાનું ભાવિ ઘડશે

પ્રથમવાર મતદાન કરનારા મતદારો 2019ની લોકસભાનું ભાવિ ઘડશે

આજકાલમાં જ જેની જાહેરાત થવાની સંભાવનાઓ છે તે 2019ની લોકસભાની ચૂંટણીઓમાં 1997 અને 2001 વચ્ચે જન્મ લેનારાઓ મતદારો અતિશય મહત્ત્વની  ભૂમિકા ભજવવાના છે તેની તમને ખબર છે ખરી? આટલું જ નહીં પરંતુ 282 લોકસભા બેઠકો એવી છે જેમાં આ વયજૂથના મતદારો કોઇપણ ઉમેદવારની કિસ્મત બનાવી અથવાતો બગાડી શકે તેમ છે. આટલુંજ નહીં અમુક બેઠકોમાં ગત લોકસભાની ચૂંટણીઓના જીતના અંતર કરતા નવા મતદાતાઓની સંખ્યા વધારે છે. આમ ચૂંટણી વિશ્લેષકો છક્કડ ખાઈ જાય એટલી માત્રામાં નવા મતદારો આવનારી લોકસભાની ચૂંટણીઓ પર પોતાની અસર છોડી જવાના છે.

એક આંકડો તો એવું પણ કહે છે કે લોકસભાની લગભગ તમામ બેઠકો પર સરેરાશ દોઢ લાખ એવા મતદારો હશે જે પહેલીવાર પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. શક્ય છે કે આમાંથી ઘણાએ જે-તે રાજ્યની વિધાનસભાની બેઠકો પર જરૂરથી મતદાન કર્યું હશે પરંતુ લોકસભા માટે મતદાન કરવાનો તેમનો પહેલો અનુભવ હશે.

દેશની 282 બેઠકો એવી છે જેમાં નવા ઉમેરાયેલા એટલેકે 18 વર્ષ જેમણે હાલમાં જ પસાર કર્યા છે તેવા મતદારોની સંખ્યા ગત વખતના જીતના માર્જીન કરતા પણ વધુ છે. એટલે આ નવા અને યુવા મતદારો કઈ તરફ ઢળશે એની ખબર કોઈને પણ નથી. વળી યુવાનો આમ પણ જલ્દીથી પોતાનું મન કળવા દેતા નથી. મજાની વાત એ છે કે આ 282નો આંકડો એ લોકસભામાં કોઇપણ પક્ષને સરકાર રચવા માટે જરૂરી એવી 272ની બહુમતિ સંખ્યા કરતા પણ 10 બેઠકો વધુ છે.

વળી આ 282 બેઠકો મોટેભાગે મોટા રાજ્યોમાં પથરાયેલી છે. આ રાજ્યો છે પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, તમિલનાડુ, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ, આંધ્રપ્રદેશ અને આસામ. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશનું નામ  હોવું પણ એક અલગ મહત્ત્વ ધરાવે છે. યાદ રહે ગત લોકસભાની ચૂંટણીઓમાં ઉત્તર પ્રદેશમાં જીતની સરસાઈ સરેરાશ 1.86 મતથી ઓછી હતી જ્યારે આ વખતે ઉમેરાયેલા નવા યુવા મતદારોની સરેરાશ અહીં 1.15 લાખ જેટલી છે.

આમ યુવા અને પ્રથમવાર મતદાન કરનારા મતદારો પર આ વખતની લોકસભાની ચૂંટણીઓના પરિણામોનો ખાસો દારોમદાર છે.