Featured|ગુજરાત

અમદાવાદ મેટ્રો આજથી શરુ, 10 દિવસ ફ્રી મુસાફરી

અમદાવાદ મેટ્રો આજથી શરુ, 10 દિવસ ફ્રી મુસાફરી

બે દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેનું ઉદ્ઘાટન કર્યું હતું તે અમદાવાદ મેટ્રો આજથી કાર્યરત થઇ ગઈ છે. છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદ આ પળની રાહ જોઈ રહ્યા હતા. અમદાવાદ મેટ્રોનો ફર્સ્ટ ફેઝ વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક જે રખિયાલ વિસ્તારમાં આવ્યો છે ત્યાં સુધી વિસ્તરેલો છે અને આ બંને સ્ટેશનો વચ્ચે મેટ્રો દોડી રહી છે. શરૂઆતના દસ દિવસ માટે અમદાવાદના નાગરિકો મફતમાં મેટ્રો ટ્રેનની સફર કરી શકશે.

વસ્ત્રાલ ગામ અને એપરલ પાર્ક વચ્ચે લગભગ 6.5 કિલોમીટરનું અંતર છે અને અહીં હાલમાં દરરોજ સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે. આ મેટ્રો ટ્રેન માટે એપરલ પાર્કમાં 10થી પણ વધારે ટ્રેક રાખવામાં આવ્યા છે જ્યાં કુલ 16 ટ્રેનો રાખવામાં આવશે.

હાલમાં આ બંને સ્ટેશનો વચ્ચે બે ટ્રેનો દોડી રહી છે જ્યારે બહુ જલ્દીથી એક બીજી ટ્રેન ઉમેરવામાં આવશે. જાણવા મળ્યા અનુસાર અત્યારે દર પચાસ મિનિટે નાગરિકોને મેટ્રો ટ્રેન મળશે.

અમદાવાદ મેટ્રો વિવિધ ફેઝમાં બનશે જેમાંથી આ ફેઝ જ્યારે પૂર્ણ થશે ત્યારે વસ્ત્રાલથી થલતેજ જઈ શકાશે. તો બીજી તરફ વાસણાથી ગાંધીનગરનો 18 કિલોમીટર લાંબો ફેઝ પણ હાલમાં નિર્માણાધીન છે. અમદાવાદ મેટ્રો એલિવેટેડ કોરીડોર તેમજ અન્ડર ગ્રાઉન્ડ એમ બે રીતે દોડશે.