Featured|ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રેરણા લઈને ભાજપમાં જોડાઈ છું: રીવાબા જાડેજા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રેરણા લઈને ભાજપમાં જોડાઈ છું: રીવાબા જાડેજા

ભારતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. ભાજપમાં તેમનું સ્વાગત કૃષિમંત્રી આર સી ફળદુ અને જામનગરના સંસદસભ્ય પૂનમ માડમે કર્યું હતું. રીવાબા આ અગાઉ ગુજરાત કરણી સેનાના મહિલા પાંખના પ્રમુખ હતા. રીવાબાએ ભાજપમાં જોડાયા બાદ કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લીધે ભાજપમાં જોડાયા છે.

રીવાબાએ ઉમેર્યું હતું કે, “ભાજપમાં જોડાવાની પ્રેરણા મને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી છે. મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાથી હું માત્ર મારા સમાજ જ નહીં પરંતુ સમગ્ર દેશની સેવા કરી શકીશ. મારા પતિ રાજપૂત સમાજનું ગૌરવ છે અને આ દેશના કરોડો યુવાનોમાંથી પણ એક છે. પરંતુ હું ભાજપમાં મારી ખુદની ઓળખને લીધે જોડાઈ છું અને સ્ત્રીઓ માટે એક ઉદાહરણ પૂરું પાડવા માંગું છું, કે સ્ત્રીઓ સેલિબ્રિટી હોય કે પછી ગૃહિણી તેઓ પોતાને જાતેજ સશક્ત થઇ શકે છે.”

રીવાબા જાડેજાએ ભાજપમાં જોડાવાના પોતાના ટાઈમિંગ અંગે સ્પષ્ટતા કરી હતી કે લોકસભાની ચૂંટણીઓ અગાઉ ભાજપમાં જોડાવું એનો તેમના મતે એક જ મતલબ છે કે તેઓ પાર્ટીની અને દેશની સેવા કરવા માંગે છે અને લોકોએ ચૂંટણીલક્ષી રાજકારણના કાચમાંથી તેમની ભાજપમાં એન્ટ્રીને ન જોવી જોઈએ.

જામનગર ભાજપના પ્રમુખ ચંદ્રેશ પટેલે રીવાબાના ભાજપમાં જોડાવાથી આનંદ સાથે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમનું પક્ષમાં જોડાવું તે છેવટે પક્ષને જ લાભ કરશે.