Featured|ગુજરાત

અન્નપૂર્ણા ધામ આવનાર દરેક દીકરીને પાંચ છોડ આપો: વડાપ્રધાન મોદી

અન્નપૂર્ણા ધામ આવનાર દરેક દીકરીને પાંચ છોડ આપો: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ પાસેના અડલજ ખાતે અન્નપૂર્ણા ધામમાં મા અન્નપૂર્ણાની પૂજા કરીને તેની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. આ મંદિર લેઉઆ પટેલ સમાજની આસ્થાનું મોટું સ્થાનક છે. કાર્યક્રમમાં પહોંચતાની સાથેજ મંચ પર ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને જોઇને વડાપ્રધાને તેમને પગે લાગીને તેમના આશિર્વાદ મેળવ્યા હતા અને ત્યારબાદ તેમને ભેટ્યા પણ હતા.

ત્યારબાદ અહીં આવેલા શિક્ષણ ભવનની સાથે સાથેજ વિદ્યાર્થીઓને રહેવા માટેની હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન વડાપ્રધાને કર્યું હતું. પોતાના સંબોધનની શરૂઆતમાં વડાપ્રધાને કહ્યું હતું કે સમાજજીવનમાં જો કોઈએ સહુથી વધુ કામ કર્યું હોય તો તે અન્નદાતાએ કર્યું છે. તેણે ખેતર ખેડીને તણખલામાંથી મણ ઉગાડીને સમાજની ચિંતા કરી. કાઠીયાવાડમાં ખેડૂત એટલે લેઉવા પટેલ અને તેમના આદ્યદેવી અન્નપૂર્ણા માતાના તીર્થક્ષેત્રનું આજે લોકાર્પણ થયું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આપણો સમાજ પરગજુ સમાજ છે. આજે અહીં સાંસ્કૃતિક વરસમાં શિક્ષણને જોડવાનું કાર્ય થયું છે. આપણા દેશમાં અત્યારે એવી માન્યતા છે કે જે કાઈ થાય એ સરકાર કરે, પરંતુ ભારતમાં આવો રીવાજ પહેલા ન હતો. પરબ બાંધવી હોય, ધર્મશાળા બાંધવી હોય તો એ બધું કાર્ય સમાજ કરતો. ધીરેધીરે સમાજની આ શક્તિને દબાવી દેવામાં આવી અને રાજ્યસત્તા પર તે આવી ગઈ. પણ અમે સમાજને ફરીથી શક્તિશાળી બનાવ્યો છે કારણકે તે શક્તિશાળી હોવો જોઈએ. અમે આ કામને કોઇપણ રાજકીય કાવાદાવા વગર કરવા માંગીએ છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અન્નપૂર્ણા ધામની મુલાકાતે આવનારાઓને એક વિચાર આપતા કહ્યું હતું કે અહીં આવનારા તમામ પોતાની નવજાત દીકરીને પાંચ ઈમારતી લાકડા ધરાવતા વૃક્ષોના છોડ આપે. આ વૃક્ષોને પોતાના ખેતર કે આંગણામાં વાવે અને એ વૃક્ષનું યોગ્ય જતન કરે. આનાથી પર્યાવરણ સચવાય અને જ્યારે દીકરી વીસ વર્ષની થાય ત્યારે એ લાડકાને વેંચીને તેના લગ્ન કરવામાં આવે. જો આ માટે જમીન જોઈતી હોય તો સરકાર સાથે વાત કરવામાં આવે. જો આમ થાય તો કરોડો રૂપિયાનું ઇમારતી લાકડું જે આયાત કરવું પડે છે તે ઓછું થાય.

વડાપ્રધાને ફૂડ પ્રોસેસિંગના મહત્ત્વને સમજાવતા કહ્યું હતું કે ખેડૂત જે કશું પણ પેદા કરે તેં મૂલ્ય વર્ધન કરીને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવે. આ રીતે જો ખેડૂતોને ફૂડ પ્રોસેસિંગનો વૈજ્ઞાનિક ઢબે લાભ આપવામાં આવે તો મા અન્નપૂર્ણાના નામનો અર્થ સાર્થક થશે.