Featured|દેશ

આતંકવાદીઓ સામે પગલાં લો નહીં તો…: પાકિસ્તાનને ઈરાનની ધમકી

આતંકવાદીઓ સામે પગલાં લો નહીં તો...: પાકિસ્તાનને ઈરાનની ધમકી

પાકિસ્તાન સાથે તેના તમામ પડોશીઓને તકલીફ છે. પાકિસ્તાનની આતંકવાદી હરકતોથી હવે ઈરાન પણ કંટાળી ગયું છે. ઈરાનમાં ચાલતા ત્રાસવાદ પાછળ પણ પાકિસ્તાની આતંકવાદી સંગઠનો હોવાની વાત ઘણી વખત સામે આવી છે. ઈરાને હવે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો તે પોતાની જમીન પરના આતંકવાદીઓ સામે પગલાં નહીં લે તો ઈરાનને તેમ કરવાથી કોઈજ રોકી શકે તેમ નથી.

ઈરાનની સેના IRGC ફૂડસના કમાન્ડર જનરલ કાસીમ સોલેમાનીએ ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે, “હું પાકિસ્તાની સરકાર અને તેના લશ્કરને પૂછવા માંગું છું કે તેઓ કઈ તરફ જઈ રહ્યા છે? તમે તમારી બધી જ સરહદો સાથે જોડાયેલા પડોશીઓને પરેશાન કર્યા છે.” સોલેમાનીએ પાકિસ્તાની સરકારની મશ્કરી કરતા કહ્યું હતું કે પાકિસ્તાન પોતાને પરમાણુ શક્તિ કહે છે તેમ છતાં આતંકવાદીઓ તેનાથી ડરતા કેમ નથી?

ઈરાની સંસદની વિદેશનીતિના કમીશનના ચેરમેન હસમતોલ્લા ફલાહતપીશેહએ દાવો કર્યો છે કે ઈરાન પાકિસ્તાનની સરહદે દીવાલ ચણવા માંગે છે અને તેમણે પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપી છે કે ઈરાનને તકલીફ આપતા આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા કોઇપણ પ્રકારનું પગલું લેતા ઈરાન ખચકાશે નહીં.

અહીં એ નોંધપાત્ર છે કે પુલવામા હુમલાના માત્ર એક દિવસ અગાઉ ઈરાનના સૈનિકોને લઇ જતી એક બસ સાથે વિસ્ફોટકોથી ભરેલી એક કાર ભટકાઈ હતી જેમાં ઈરાનના રેવોલ્યુશનરી ગાર્ડ્સના 27 સૈનિકો અને 13 અન્યો શહીદ થયા હતા. બીજે જ દિવસે પુલવામામાં પણ આ જ પ્રકારે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં આપણા 40 CRPF જવાનો શહીદ થયા હતા.

ઈરાન અને ભારતની જેમ અફઘાનિસ્તાન પણ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદથી ગ્રસ્ત છે અને તેણે પણ યુએનમાં પાકિસ્તાન વિરુદ્ધ ફરિયાદ કરી છે. આવા સમયે ઈરાન તરફથી આ પ્રકારની ટિપ્પણીનું મહત્ત્વ ઘણું વધી જાય છે.