Featured|ગુજરાત

કોંગ્રેસ મુશ્કેલીમાં: ભગવાન બારડ ગુનેગાર સાબિત, ધારાસભ્ય પદ ગુમાવ્યું

કોંગ્રેસ મુશ્કેલીમાં: ભગવાન બારડ ગુનેગાર સાબિત, ધારાસભ્ય પદ ગુમાવ્યું

તલાલાના કોંગ્રેસી ધારા સભ્યને વીસ વર્ષથી પણ જૂના એક કેસમાં સૂત્રાપાડા કોર્ટે ગુનેગાર જાહેર કરીને તેમને પોણા ત્રણ વર્ષની સજા કરી છે. આ સાથે કાયદા અનુસાર તેમણે પોતાનું વિધાનસભ્ય પદ પણ ગુમાવ્યું છે.

અત્રે એ નોંધનીય છે કે ગણતરીના કલાકોમાં જ લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત દિલ્હીમાં ચૂંટણી પંચ કરવા જઈ રહ્યું છે એવા સમયે કોંગ્રેસને આ જબરદસ્ત ઝાટકો વાગ્યો છે. કોંગ્રેસે ભગવાન બારડના સસ્પેન્શન સાથે પોતાની વિધાનસભા બેઠક પણ ગુમાવી છે. વિધાનસભા અધ્યક્ષે તાત્કાલિક અસરથી ભગવાન બારડને વિધાનસભા સભ્ય પદથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.

કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડ સામે 1995ન સાલનો ખનીજ ચોરીનો મામલો પેન્ડીંગ હતો. ભગવાન બારડ સામે રૂ. 2.83 કરોડની ખનીજ ચોરીનો આરોપ હતો. કોર્ટે ભગવાન બારડને બે વર્ષ અને નવ માસની સજા ફટકારવા ઉપરાંત રૂ. 2500નો દંડ પણ ફટકાર્યો હતો.

કાયદા અનુસાર બે વર્ષ કે તેનાથી વધુ જો કોઈને સજા થાય તો લોક પ્રતિનિધિત્વ ધારા અનુસાર તેનું વિધાનસભા સભ્ય પદ અથવાતો લોકસભા સભ્યપદ રદ્દ થાય છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે લીગલ વિભાગ તરફથી કોર્ટના ચૂકાદાની નકલ તેમને મળી હતી અને આ વિગતો તપાસતાં તેમજ ઈલેક્શન કમિશનના પરિપત્રોની નોંધ લઈને તેમજ સર્વોચ્ચ અદાલતના નિર્ણયને ધ્યાનમાં લઈને તેમણે ભગવાન બારડનું ધારાસભ્ય પદ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે અને આથી ભગવાન બારડ હવે ધારાસભ્ય રહ્યા નથી.

વિધાનસભા અધ્યક્ષે પોતાના નિર્ણયની નકલ કલેક્ટરને પણ મોકલી આપી છે.