Featured|દેશ

હુમલાની રાત્રે બાલાકોટમાં 300 મોબાઈલ એક્ટીવ હતા: NTRO

બાલાકોટનું ઐતિહાસિક મહત્ત્વ પણ છે

નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (NTRO) દ્વારા ભારતીય વાયુસેનાને પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં આવેલા બાલાકોટના જૈશ એ મોહમ્મદના સહુથી મોટા આતંકવાદી કેમ્પ પર કરવામાં આવેલા હુમલા બાદ પોતાનું સર્વેલન્સ કર્યું હતું.

26 ફેબ્રુઆરીએ IAFના 12 ફાઈટર જેટ્સ પાકિસ્તાનમાં છેક ઊંડે સુધી ઘુસી જઈને બાલાકોટ કેમ્પ પર 1000 કિલોગ્રામના સ્પાઈસ 2000 બોમ્બ વરસાવીને પરત આવી ગયા હતા. NTRO સાથે સંકળાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે, “અમારા ટેક્નિકલ સર્વેલન્સના સમયે એવું જાણવા મળ્યું હતું કે એ કેમ્પમાં એ સમયે એક સાથે 300 મોબાઈલ ફોન્સ એક્ટીવ હતા. હુમલો થયા બાદ આ તમામ મોબાઈલ ફોન્સ બંધ હાલતમાં જાણવા મળ્યા હતા.” આ સૂત્રે એમ પણ કહ્યું હતું કે અમને મળેલા ઇન્ટેલિજન્સ અનુસાર આટલી જ સંખ્યામાં ત્યાં આતંકવાદીઓ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

બાલાકોટ હુમલા અંગે શંકા વ્યક્ત કરનાર વિપક્ષી પાર્ટીઓ પણ મૃત્યુ પામેલા આતંકવાદીઓની સંખ્યા જાણવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ એર ચીફ માર્શલ બી એસ ધનોઆએ ગઈકાલે કોઇમ્બતુરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે એરફોર્સ માત્ર કહેવામાં આવેલા ટાર્ગેટને હીટ કરે છે અને તે સફળ થયું કે કેમ તેને ધ્યાનમાં લે છે. ટાર્ગેટ હીટ થયા બાદ તેમાં કેટલા લોકો મરી ગયા તેની ગણતરી IAF કરતું નથી.

એર ચીફ માર્શલ ધનોઆના કહેવા અનુસાર કેટલા લોકો એ હુમલામાં મૃત્યુ પામ્યા એની જાહેરાત સમય આવ્યે ભારત સરકાર કરશે. એર સ્ટ્રાઈકના બીજા દિવસે ભારતના વિદેશ મંત્રાલયે આપેલી જાણકારી અનુસાર એ સમયે ત્યાં મોટી સંખ્યામાં જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓ, ટ્રેનર્સ, સિનીયર કમાન્ડર્સ હાજર રહ્યા હતા.