Featured|દેશઆયુષ્માન ભારત|દેશ

પાણીનું મૂલ્ય ગુજરાતીઓ જ જાણી શકે: નરેન્દ્ર મોદી

પાણીનું મૂલ્ય ગુજરાતીઓ જ જાણી શકે: નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની યાત્રાએ પોતાના ગૃહ રાજ્ય ગુજરાત આવ્યા છે. પોતાની આ મુલાકાતની શરૂઆત વડાપ્રધાન મોદીએ સરહદી જીલ્લા જામનગરથી શરુ કરી હતી. અહીં તેમણે જામનગરની જીજી હોસ્પિટલનાં આધુનિકીકરણ, SAUNI યોજના હેઠળ નર્મદાનું પાણી જામનગરના રણજીત સાગર ડેમમાં લઇ આવવાનું તેમજ  જામનગર અને બાંદ્રા વચ્ચે નવી ટ્રેન સેવા શરુ કરવા જેવા વિકાસલક્ષી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું.

વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં એક જાહેર સભાને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનની શરૂઆતમાં આજના શિવરાત્રીના પ્રસંગને ધ્યાનમાં લઈને વડાપ્રધાને સૌરાષ્ટ્રની ધરતી પર આવેલા બે જ્યોતિર્લિંગ નાગેશ્વર અને સોમનાથને યાદ કરીને તમામને શિવરાત્રીની શુભેચ્છાઓ આપી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના જીવનમાં જળના પ્રભાવની ચર્ચા કરી હતી.

વડાપ્રધાને કહ્યું હતું કે ગુજરાતમાં બારમાસી નદીઓ નથી અને વરસાદી સંકટ સદાય ગુજરાત સાથે રહેતું હોય છે. આવા સંજોગોમાં ગુજરાતીઓ માટે પાણીનો વેડફાટ સ્વપ્નમાં પણ ન કરી શકાય. SAUNI યોજના જ્યારે શરુ કરી હતી ત્યારે તેના વિષે લોકોના વિરોધને યાદ કરીને મોદીએ કહ્યું હતું કે આટલા વિરોધ પછી પણ આજે આ યોજના હેઠળ જામનગર સુધી નર્મદાનું પાણી પહોંચ્યું જ છે.

જામનગરમાં વડાપ્રધાને જીજી હોસ્પિટલના આધુનિકીકરણની પણ વાત કરી હતી. વડાપ્રધાનના કહેવા અનુસાર આયુષ્યમાન ભારત યોજનાનો લાભ દેશના દરેક ગરીબોને મળવાનો છે. આ યોજના એટલી વિશાળ છે કે તેમાં અમેરિકા, કેનેડા અને મેક્સિકોની તમામ વસ્તીને ઉમેરી દેવામાં આવે તો તેનાથી પણ વધુ લોકોને લાભ મળવાનો છે. આ યોજનાનો લાભ ગરીબો મોંઘામાં મોંઘી ખાનગી હોસ્પિટલોમાં પણ વિનામૂલ્યે મેળવી શકે છે.

વડાપ્રધાને હાલમાં આતંકવાદ સામે ભારતની ચાલી રહેલી લડાઈ વિષે પણ વાત કરી હતી. વડાપ્રધાનના કહેવા અનુસાર જ્યાં રોગ હોય ત્યાં સુધી પહોંચીને જ તેનો ઈલાજ શક્ય છે અને આથી જ તેમણે આડકતરી પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું હતું કે તેમણે આતંકવાદના રોગના છેક મૂળ સુધી પહોંચીને તેનો ઈલાજ કરવાની કોશિશ કરી છે.

વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું હતું કે જો સમયસર ભારતીય વાયુસેનાને રાફેલ ફાઈટર જેટ્સ મળી ગયા હોત તો ગયા અઠવાડિયાની વાયુસેનાની કાર્યવાહી વધુ ઝડપી અને અસરકારક રહી હોત.