Featured|દેશFeatured|ગુજરાત

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેડીસિટી શરુ કરાવતા મોદી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેડીસિટી શરુ કરાવતા મોદી

બે દિવસના ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મેડીસિટી શરુ કરાવી હતી. એક જ કેમ્પસમાં હવે મહિલાઓ અને બાળકો માટે, કેન્સરના દર્દીઓ માટે, આંખના દર્દીઓ માટે તેમજ દાંતના દર્દીઓ માટે ચાર અલગ અલગ હોસ્પિટલની સુવિધા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 2008માં ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી અને આજે તેમણે જ તેનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અહીં લગભગ દસ હજાર જેટલો મેડીકલ સ્ટાફ આવતીકાલથી દસ હજાર જેટલા દર્દીઓની સારવાર કરશે. આમ આ સમગ્ર કેમ્પસ વીસ હજારની વસ્તી ધરાવતું એક નાનકડું ગામ બની જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં અન્ય વિષયોને પણ સ્પર્શ કર્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે અમદાવાદ પાસે આવેલા લોથલ ખાતે એક હેરીટેજ મેરીટાઇમ સંસ્થાની સ્થાપના કરવામાં આવશે જે ભારતના મેરીટાઇમ ઈતિહાસને અનોખી રીતે રજૂ કરશે અને આવનારા દિવસોમાં તે એક મોટું ટૂરિઝમ કેન્દ્ર બનીને ઉભરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે એર સ્ટ્રાઈક કરનારા ભારતીય વાયુસેનાના વીર જવાનોની નિષ્ઠા પર શંકા ઉભ કરનારા વિપક્ષી નેતાઓની પણ આકરી ટીકા કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે એક તરફ જ્યારે આખો દેશ પોતાના વીર જવાનો પર ગર્વની લાગણી અનુભવી રહ્યો છે ત્યારે દેશના વિપક્ષી નેતાઓની બયાનબાજી પર પાકિસ્તાની અખબારોની હેડલાઈન બને છે, પાકિસ્તાની ન્યૂઝ ચેનલો અને ત્યાંની સંસદમાં આ બયાનોને ભારત વિરુદ્ધના પુરાવા ગણી તેના પર ડિબેટ થાય છે તે અત્યંત શરમજનક છે.