Featured|દેશ

મોદીની વિદેશયાત્રાઓની ટીકા કરનારાઓને તમાચો

મોદીની વિદેશયાત્રાઓની ટીકા કરનારાઓને તમાચો

પુલવામા હુમલાના ગણતરીના કલાકોમાં જ જેમાં 40 CRPF જવાનો શહીદ થયા  દેશ-વિદેશના આગેવાનોએ ભારતના દુઃખમાં સહભાગી થતા અને ભારતને હર સંભવ મદદ કરતા નિવેદન આપ્યા. પુલવામાના બદલા રૂપે પાકિસ્તાનના ચકોટી અને  બાલાકોટમાં તેમજ તેના કબ્જા હેઠળના કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં આવેલા જૈશ એ મોહમ્મદના અડ્ડા હા, આતંકવાદી અડ્ડા પર ભારતના મિરાજ વિમાનોએ એક-એક હજાર કિલોગ્રામના બોમ્બ વરસાવ્યા અને લગભગ ચારસો જેટલા આતંકવાદીઓ મૃત્યુ પામ્યા હોવા બાદ સમગ્ર વિશ્વ ચૂપ છે.

કેમ? આ સવાલ આટલા બધા દિવસોમાં આપણે ક્યારેય આપણને પૂછ્યો છે ખરો? જો પૂછ્યો હોત તો તેનો જવાબ આપણને એક જ મળ્યો હોત કે આ બધો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આટલા વર્ષોમાં કરેલી વિદેશયાત્રાઓનો પ્રતાપ છે. મોદીદ્વેષીઓએ કાયમ વડાપ્રધાન મોદીની વારંવારની વિદેશયાત્રાઓને વ્યક્તિગત સહેલગાહ કહીને તેની ઠેકડી ઉડાડી હતી. કેટલાક ચોખલિયાઓએ તો વારંવાર RTI કરી આ યાત્રાઓ પાછળ થયેલો ખર્ચ કઢાવી અને દેશના ખજાનાને કેટલું બધું નુકશાન થયું છે એ ઠસાવવાના સસ્તા પ્રયાસો કર્યા હતા.

પરંતુ જેમ યોગ્ય સમયે જ સત્ય બહાર આવતું હોય છે અને ત્યારેજ  તેની અસર ધારદાર હોય છે. આજે જ્યારે ભારત પોતાની વિરુદ્ધ લડવામાં આવેલી આતંકવાદી લડાઈને એકલેહાથે લડવા ઉપડી પડ્યું છે ત્યારે વડાપ્રધાનની એક એક વિદેશયાત્રા કામમાં આવી રહી છે. યાદ કરો વડાપ્રધાન મોદીએ સત્તા સંભાળ્યા પછી પહેલી વિદેશયાત્રા કયા દેશની કરી હતી? અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે પછી યુરોપના કોઈ મોટા દેશની નહીં પરંતુ સાખ પાડોશી એવા નેપાળની.

UPAના દાયકાના સાશનમાં નેપાળની અવગણના ભારતને અતિશય ભારે પડી હતી અને તે ચીનના પડખામાં જઈને બેઠું હતું. વડાપ્રધાને નજીકની પરંતુ મુશ્કેલ યાત્રા પહેલી કરી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની યાત્રા વખતે વડાપ્રધાને પેસિફિક મહાસાગરમાં આવેલા નાનાનાના ટાપુઓના વડાઓને એક સ્થળે ભેગા કરીને તેમની સાથે એક જોડાણ ઉભું કર્યું. આવી જ રીતે બે વર્ષ પહેલા આફ્રિકન દેશોને આપણા ગુજરાતના ગાંધીનગરમાં ભેગા કરીને સમગ્ર આફ્રિકન ખંડ સાથેની દોસ્તી મજબૂત કરી દીધી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશયાત્રાઓની ટીકા કરનારાઓને એ બાબતનું આશ્ચર્ય થવું જોઈએ કે કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો જ્યાં ભારતીયોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે ત્યાંની મુલાકાત લેનારા ભારતીય વડાપ્રધાનોમાં નરેન્દ્ર મોદી દાયકાઓ બાદ પહેલા હતા. એટલેકે UPAને કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા સામરિક દ્રષ્ટીએ અતિશય મહત્ત્વના દેશોની પણ પડી ન હતી. આવી હતી તેમની વિદેશનીતિ.

વડાપ્રધાને ચીનની પણ અસંખ્યવાર મુલાકાત લીધી છે અને પોતાના સ્વભાવ પ્રમાણે રાષ્ટ્રપતિ શી જીનપીંગ સાથે અંગત સંબંધો વિકસિત કર્યા છે. આ ઉપરાંત G12, G20 કે અન્ય કોઇપણ પણ આંતરરાષ્ટ્રીય શિખર સંમેલનો દરમ્યાન મુખ્ય સમારોહ ઉપરાંત વડાપ્રધાન મોદીએ મહત્તમ વિદેશી આગેવાનો સાથે વન-ટુ-વન બેઠકો કરી હતી.

વિચાર કરો જે UPA સરકારે મહત્ત્વના દેશોની મુલાકાત લેવાનું વિચાર્યું ન હતું ત્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તર્જ પર નાના અને ટાપુ રાષ્ટ્રોની તો ગણતરી જ કેમ કરે? આવી જ્યારે અસ્પષ્ટ વિદેશનીતિ હોય ત્યારે એ પક્ષની કે ગઠબંધનની સરકાર 26/11ની ઘાતકી આતંકવાદી ઘટના બાદ પાકિસ્તાન સામે સર્જીકલ સ્ટ્રાઈક કરવાની એરફોર્સની ખુલ્લી તૈયારી હોવા છતાં તેનો વિચાર પણ કેમ કરી શકે? કારણકે કોઇપણ વિદેશી સરકાર તેને ટેકો જ ન આપત.

વડાપ્રધાન મોદીએ છેલ્લા લગભગ પાંચ વર્ષમાં ભારતનું આથિક, સામાજિક, સાંસ્કૃતિક અને વ્યુહાત્મક બ્રાન્ડિંગ કર્યું છે. તેમની લગાતાર વિદેશયાત્રાઓથી આજે ભારતની અવગણના કરવી એ  કોઇપણ દેશને ભારે પડી શકે તેમ છે. આજે ભારત પાસે હુકમના ઘણા એક્કાઓ છે, અને હજી પણ રહી શકે છે જો ભારતીયો આવનારી લોકસભાની ચૂંટણીઓમાં સમજી વિચારીને મતદાન કરે તો.