Featured|દેશ

ભારત દરેક ધર્મનું સમાનતાથી સન્માન કરે છે: OICમાં સુષ્મા સ્વરાજ

ભારત દરેક ધર્મનું સમાનતાથી સન્માન કરે છે: OICમાં સુષ્મા સ્વરાજ

ઓર્ગેનાઈઝેશન ઓફ ઇસ્લામિક કો-ઓપરેશન (OIC)ની બેઠકમાં આજે થોડા સમય પહેલા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે સંબોધન કર્યું હતું. અબુધાબીમાં આયોજિત આ બેઠકના યજમાન UAEએ ભારતને મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું હતું. સુષ્મા સ્વરાજે ભારપૂર્વક કહ્યું હતું કે આતંકવાદ સામેની લડાઈ કોઈ એક ખાસ ધર્મ વિરુદ્ધની લડાઈ નથી. તેમણે કહ્યું હતું કે આતંકવાદ અસંખ્ય જીવન નષ્ટ કરે છે, અન્ય ધર્મોને નુકશાન પહોંચાડે છે અને વિશ્વને નુકશાન કરે છે.

સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, “આતંકની પહોંચ વધી રહી છે અને તેનું નુકશાન પણ વધી રહ્યું છે. આ સંસ્કૃતિઓની લડાઈ નથી પરંતુ વિચારો અને વિચારધારાની સ્પર્ધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાયમ કહેતા હોય છે તે અનુસાર કે તે માનવતાના મૂલ્યો અને અમાનવીયતાની શક્તિઓ વચ્ચેનો સંઘર્ષ છે.

સુષ્મા સ્વરાજે આગળ કહ્યું હતું કે અલ્લાહના 99 નામો છે અને તેમાંથી એક પણ નામનો મતલબ હિંસા નથી. એ જ રીતે વિશ્વનો દરેક ધર્મ શાંતિ, કરુણા અને ભાઈચારા સાથે ઉભો રહેલો જોવા મળે છે.

વિદેશમંત્રીએ ઋગ્વેદનો મંત્ર ‘एकं सद्विप्रा बहुधा वदन्ति’ એટલેકે ભગવાન એક છે પરંતુ જ્ઞાનીઓ તેને અલગ અલગ સ્વરૂપે ઓળખાવે છે, પણ ક્વોટ કર્યો હતો.

આ અગાઉ સુષ્મા સ્વરાજના વક્તવ્યને લીધે પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ આ સમગ્ર બેઠકનો બહિષ્કાર કર્યો હતો. સુષ્મા સ્વરાજના સમગ્ર સંબોધન દરમ્યાન પાકિસ્તાનની બેઠક ખાલી રહી હતી.

ભારત દરેક ધર્મનું સમાનતાથી સન્માન કરે છે: OICમાં સુષ્મા સ્વરાજ