Featured|દેશ

370મી કલમમાં પહેલો ખીલો? – બોર્ડર રિઝર્વેશન એક્ટમાં સુધારો થયો

370મી કલમમાં પહેલો ખીલો? – બોર્ડર રિઝર્વેશન એક્ટમાં સુધારો થયો

એક એવા સમયે જ્યારે સરહદ પર પાકિસ્તાન સાથે સંબંધો તંગ છે અને તે પણ જમ્મુ કાશ્મીર સમસ્યાને લીધે ભારતીય સરકારે ગઈકાલે આ જ રાજ્યને લગતા ત્રણ મહત્ત્વના સુધારાઓ અમલમાં મૂક્યા છે. નાણામંત્રી અરુણ જેટલી તેમજ કાયદા અને ન્યાયમંત્રી રવિશંકર પ્રસાદે ગઈકાલે રાત્રે પત્રકારોને આ અંગે માહિતી આપી હતી.

ગઈકાલે મળેલી કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં સરકારે લીધેલા એક અતિશય મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં ‘ધ જમ્મુ એન્ડ કાશ્મીર રિઝર્વેશન (એમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સ’ ને મંજૂરી આપી હતી જે જમ્મુ અને કાશ્મીર રાજ્યને લાગુ પડે છે. અત્યારસુધી માત્ર લાઈન ઓફ કન્ટ્રોલ (LOC) પર રહેતા લોકોને જ આ કાયદાનો લાભ મળતો હતો. આ કાયદા અનુસાર આ વિસ્તારમાં રહેતા લોકોને અનામતનો લાભ આપવામાં આવતો હતો. ગઈકાલના સુધારા બાદ હવે આંતરરાષ્ટ્રીય સરહદ પર રહેતા તમામ લોકોને પણ હવે અનામતનો લાભ આપવામાં આવશે. આમ હવે સમગ્ર જમ્મુ અને કાશ્મીર રાજ્ય આ કાયદામાં આવરી લેવામાં આવ્યું છે.

આ ક્ષેત્રોમાં સતત અશાંતિ રહેતી હોવાથી બાળકોના ભણતર પર સતત અસર પડતી હોય છે આથી સરકારને એ યોગ્ય લાગ્યું કે તેમને અનામતની સુવિધા આપવી જરૂરી છે.

370મી કલમની પહેલી કલમમાં કરવામાં આવેલા એક અન્ય બંધારણીય સુધારા અંતર્ગત સરકારે હવે એ સત્તા પોતાના હાથમાં લઇ લીધી છે કે તે કોઇપણ જાતિ કે વર્ગને અનામત આપવાની જોગવાઈ કરી શકે. આ સુધારા બાદ સરકારે જમ્મુ અને કાશ્મીરમાં પણ આર્થિકરીતે નબળા સવર્ણોને 10% અનામત આપવાની જોગવાઈ કરી શકે છે.

આ ઉપરાંત ભારત સરકારના ગેઝેટમાં એક નોટિફિકેશન પ્રકાશિત કરવામાં આવ્યું છે જે અનુસાર જમાત એ ઇસ્લામી, જમ્મુ એન્ડ કાશ્મીરને ગેરકાયદે સંસ્થા જાહેર કરવામાં આવી છે. જમાત પર આ પ્રતિબંધ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન તેમજ પ્રોત્સાહન આપવા બદલ આપવામાં આવ્યું છે. જમાત જમ્મુ અને કશ્મીરને ભારતથી અલગ કરવાને પણ સમર્થન આપતું હોવાથી તેને દેશવિરોધી પ્રવૃત્તિઓ કરતી સંસ્થા જાહેર કરી છે.