Featured|દેશ

સાઉદી અરેબિયા પણ કાશ્મીર બાબતે પાકિસ્તાનને સમર્થન નથી આપતું

સાઉદી અરેબિયા પણ કાશ્મીર બાબતે પાકિસ્તાનને સમર્થન નથી આપતું

2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાઉદી અરેબિયા મુલાકાત બાદ સાઉદી અરેબિયા ભારતને તેના આતંકવાદના વલણને બરોબર રીતે સમજી શક્યું છે. ભારત સાઉદી અરેબિયાના શાસકોને એ સમજાવી શક્યું છે કે કેમ કાશ્મીરનો આતંકવાદ સમગ્ર દુનિયા માટે ખતરનાક છે. આ જ કારણોસર પુલવામા હુમલા બાદ સાઉદી અરેબિયાએ આ ઘટનાની કડક શબ્દોમાં ટીકા કરી હતી.

વડાપ્રધાન મોદીના શાસનમાં સાઉદી અને ભારત વચ્ચેના સંબંધો કેવી રીતે મજબૂત બન્યા છે તેનું ઉદાહરણ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની હાલની પાકિસ્તાન અને ભારતની યાત્રા હતી. પુલવામા ઘટના બાદ સાઉદી ક્રાઉન પ્રિન્સે પોતાની પાકિસ્તાન યાત્રા એક દિવસ પાછી ઠેલી હતી જેને લીધે પાકિસ્તાને પોતાના વ્યાપારી સમુદાય સાથેની તેમની બેઠક રદ્દ કરવી પડી હતી. આ ઉપરાંત પુલવામા ઘટના તાજી હોવાથી ક્રાઉન પ્રિન્સ પાકિસ્તાનથી સીધા ભારત ન આવતા પોતાના દેશ પરત થઇને ભારત આવ્યા હતા. આમ તેમણે ભારત સરકારની તેમજ ભારતીયોની ભાવનાને સમજી હતી.

સાઉદી અરેબિયાના અધિકારીઓનું કહેવું છે કે પાકિસ્તાનમાં સાઉદી અરેબિયાએ જે રોકાણ કર્યું તેને અને ભારતમાં તેણે કરેલા રોકાણની કોઈજ સરખામણી ન કરી શકાય. કારણકે પાકિસ્તાનનું રોકાણ તેને દેવાળીયું થતા અટકાવવા માટે છે જ્યારે ભારતમાં તેનું રોકાણ એ તેના મજબૂત અર્થતંત્રને લીધે સાઉદી અરેબિયાને થનારા ફાયદાને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યું છે.

આ અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે પાકિસ્તાનના રોકાણથી ભારતે અસ્વસ્થ થવાની જરૂર નથી બલકે ભારતમાં અમારા દ્વારા કરવામાં આવેલા જંગી રોકાણથી પાકિસ્તાને ડરવાની જરૂર છે કારણકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે મક્કમ લડત લડવાની વાત કર્યા બાદ અમે ભારતમાં આટલું મોટું રોકાણ કર્યું છે.

જાપાન, ચીન, સાઉથ કોરિયાની સાથેસાથે સાઉદી અરેબિયા ભારતને પણ એશિયામાં તેનું અતિશય મહત્ત્વનું વ્યુહાત્મક ભાગીદાર ગણે છે અને તેણે ભારતની નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) સાથે મળીને પણ કાર્ય કરવાનું નક્કી કર્યું છે. સાઉદી અરેબિયા અત્યારસુધી પશ્ચિમી દેશો સાથે જ સંબંધો વિકસાવવામાં માનતું હતું પરંતુ  હવે તેણે પૂર્વ તરફ નજર દોડાવી છે જેમાં ભારતને અવગણીને કોઇપણ પ્રકારની ભાગીદારી શક્ય નથી.

એકબીજાના સેનાઓ વચ્ચે સંયુક્ત અભ્યાસ ઉપરાંત સાઉદી અરેબિયા પોતાને ત્યાં ભારતીય કંપનીઓ સાથે સ્માર્ટ સિટી, રેડ સી ટુરીઝમ પ્રોજેક્ટ અને એન્ટરટેઈનમેન્ટ સિટીમાં પણ સાથે મળીને કાર્ય કરવાનું છે. આ ઉપરાંત ઉર્જા ક્ષેત્રમાં, ફર્ટીલાઈઝર ક્ષેત્રમાં પણ ભારત અને સાઉદી અરેબિયાના સંબંધો ઘણા આગળ વધવાના છે. મોહમ્મદ બિન સલમાનની હાલની ભારત યાત્રા દરમ્યાન જ સાઉદી અરેબિયાએ ભારતની આગેવાની હેઠળના સોલાર એલાયન્સમાં જોડાઈ જવાનો નિર્ણય લીધો છે.