Featured|દેશFeatured|ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમને સંબોધન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમને સંબોધન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નરેન્દ્ર મોદી એપ દ્વારા મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે સમગ્ર દેશના એક કરોડથી પણ વધુ ભાજપ કાર્યકર્તાઓ, વોલેન્ટિયર્સ અને અન્ય વિશિષ્ટ નાગરિકોને સંબોધિત કર્યા હતા જેઓ  દેશના વિવિધ 1500 સ્થળોએ એકઠા થયા હતા.

આ કાર્યક્રમમાં દેશના દરેક રાજ્યના ભાજપ પ્રમુખ, મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓ પોતપોતાના રાજ્યમાં એક નિશ્ચિત જગ્યાએ ભેગા થયા હતા અને આ કાર્યક્રમને નિહાળ્યો હતો અને તેમાં હિસ્સો લીધો હતો.

ગુજરાત તરફથી આ કાર્યક્રમમાં ભાગ લેતા પોરબંદરના ભાજપ કાર્યકર્તા મહેન્દ્રસિંહ ચાવડાએ વડાપ્રધાનને સવાલ કર્યો હતો કે નોટબંધી અને GST બાદ વિપક્ષોએ મધ્યમવર્ગને ભડકાવવાની કોશિશ કરી હતી. જેના જવાબમાં વડાપ્રધાને કહ્યું હતું કે નોટબંધી બાદ ઉત્તર પ્રદેશમાં થયેલી ચૂંટણીઓમાં ભાજપને જીત મળી હતી તો GST બાદ ગુજરાતમાં પણ ભાજપ જીત્યું હતું. સુરત જે વ્યાપારનો ગઢ છે ત્યાંતો ભાજપને અભૂતપૂર્વ સફળતા મળી હતી.

આ પાછળનું કારણ જણાવતા વડાપ્રધાને કહ્યું હતું કે વિપક્ષોની આદત છે કે તે મધ્યમવર્ગને ભડકાવે, પરંતુ તેમની સરકારે મધ્યમવર્ગની મહત્તા સમજીને તેમના માટે અસંખ્ય પગલાંઓ લીધા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે વર્ષોથી આવકવેરાની લિમીટ 5 લાખ કરવાની માંગ હતી પરંતુ કોઈ સરકારે તેના પર ધ્યાન ન આપ્યું, પરંતુ તેમની સરકારને આ કાર્ય કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.

વડાપ્રધાન મોદીએ નોંધ્યું હતું કે મધ્યમવર્ગને વધુ કશું નથી જોઈતું, બસ તેને પોતાનું ઘર હોય એવી તેની ઈચ્છા હોય છે. અગાઉ આ ઈચ્છા માત્ર સ્વપ્ન બનીને જ રહી હતી પરંતુ તેમની સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના લાગુ કરવા ઉપરાંત બાંધકામ હેઠળના આવાસો પરનો GST અગાઉના 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત પોસાય તેવા આવાસો પરનો GST પણ 8 ટકાથી ઘટાડીને માત્ર 1 ટકા કરવામાં આવ્યો છે.

સિનીયર સિટીઝન માટે સરકારે ભરેલા પગલાંઓ અંગે માહિતી આપતા વડાપ્રધાને કહ્યું હતું કે સ્ટેન્ટ અને ની રિપ્લેસમેન્ટનો ભાવ ઘટાડવામાં આવ્યો છે. આ ઉપરાંત જન ઔષધી સ્ટોર્સમાં મળતી જેનરિક દવાઓને લીધે ઔષધિઓની કિંમત પણ હવે અગાઉ કરતા 50 થી 80 ટકા ઘટી ગઈ છે. આ ઉપરાંત 100 જેટલી ઔષધિઓના ભાવ નિયંત્રણ હેઠળ લાવી દેવામાં આવ્યા છે.

ગુજરાત ભાજપના લોકસભા પ્રદેશ ચૂંટણી પ્રભારી ઓમ માથુર જુનાગઢ જીલ્લામાં જ્યારે પોરબંદરમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તેમજ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા પોરબંદરમાં અને પ્રદેશ મહામંત્રીઓ ભરતસિંહ પરમાર, શબ્દશરણ બ્રહ્મભટ્ટ દાહોદ, પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ કે જાડેજા અમદાવાદ, ભાર્ગવ ભટ્ટ પંચમહાલ અને પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા વડોદરા શહેરમાં ઉપસ્થિત રહ્યા હતા.