Featured|દેશ

અભિનંદનને જેના હેઠળ પરત લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે તે જીનિવા કન્વેન્શન શું છે?

અભિનંદનને જેના હેઠળ પરત લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે તે જીનિવા કન્વેન્શન શું છે?

ગઈકાલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે મિડિયા સમક્ષ કહ્યું હતું કે, “પાકિસ્તાનનું એક વિમાન ઇન્ડિયન એરફોર્સ દ્વારા તોડી પાડવામાં આવ્યું છે અને આ ઓપરેશનમાં આપણું એક મિગ ક્ષતિગ્રસ્ત થઇ ગયું છે અને વિમાનના પાયલોટ લાપતા છે.

ત્યારબાદ પાકિસ્તાને પ્રતિક્રિયા આપતા દાવો કર્યો હતો કે લાપતા પાયલોટ તેના કબજામાં છે અને તેણે આ પાયલોટનો વિડીયો પણ શેર કર્યો હતો. જો કે પાકિસ્તાનનું આમ કરવું એ જીનિવા કન્વેન્શનની ભાવનાની વિરુદ્ધ હતું. ત્યારબાદ ભારતે નવી દિલ્હીમાં પાકિસ્તાનના ઉપ ઉચ્ચાયુક્ત સૈયદ હૈદર શાહને બોલાવ્યા હતા.

ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં એમ પણ કહ્યું હતું કે પાઈલટને કોઇપણ પ્રકારનું નુકશાન પણ પહોંચે તે તેણે સુનિશ્ચિત કરવું પડશે.

હવે આ પાયલોટ વિંગ અભિનંદનને જેના હેઠળ ભારત પરત લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે તે સંધિનું નામ જીનિવા કન્વેન્શન છે. આ સંધિમાં દુશ્મન દેશના યુદ્ધકેદી સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ તે અંગે સ્પષ્ટ ભાષામાં જણાવવામાં આવ્યું છે. પાકિસ્તાને પણ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા છે પરંતુ બદનસીબે પાકિસ્તાનનો રેકોર્ડ આ મામલે અત્યંત ખરાબ છે.

ચાલો જાણીએ જીનિવા કન્વેન્શનની કેટલીક મહત્ત્વની શરતો:

  • સૈનિક જો ઘાયલ હોય તો તેની યોગ્ય સારવાર કરવામાં આવે.
  • સૈનિકને ખાવાપીવાની તેમજ તેની જરૂરિયાતની તમામ સુવિધાઓ આપવામાં આવે.
  • યુદ્ધકેદી સાથે કોઇપણ પ્રકારનો અમાનવીય વર્તન ન કરવામાં આવે.
  • જે સમયે સૈનિક પકડાય તે જ સમયે જીનિવા કન્વેન્શનની શરતો લાગુ પડી જાય છે.
  • આ સંધિ સ્ત્રી અને પુરુષ એમ બંને સૈનિકો પર એકસરખી લાગુ પડે છે.
  • યુદ્ધકેદીને ડરાવવાની, ધમકાવવાની અને તેના પર દબાણ લાવીને કોઇપણ પ્રકારનું નિવેદન અપાવવાની બિલકુલ મનાઈ છે.
  • યુદ્ધકેદીની જાતિ, ધર્મ, જન્મ વગેરે અંગત હકીકતો પૂછી ન શકાય.

ભારતે આ જ જીનિવા કન્વેન્શન હેઠળ બાંગ્લાદેશ યુદ્ધ બાદ પાકિસ્તાનના લગભગ 90,000 સૈનિકોને મુક્ત કર્યા હતા.