Featured|દેશ

કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ કોને મળે? કેવી રીતે મળે?

કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ કોને મળે? કેવી રીતે મળે?

આ વર્ષના વચગાળાના બજેટમાં જેની જાહેરાત કરવામાં આવી હતી તે કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં કરી હતી. આ યોજના હેઠળ સીમાંત અને નાના ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી વાર્ષિક રૂ. 6000ની આર્થિક સહાય મળશે જે તેમના બેંક ખાતાઓમાં સીધી જ જમા થઇ જશે. આ માટે ખેડૂતોએ કેટલાક જરૂરી દસ્તાવેજો જમા કરવા પડશે અને ત્યાર બાદ જ તેમને આ યોજનાનો લાભ મળી શકશે.

ગઈકાલે વડાપ્રધાન મોદીએ માત્ર એક ક્લિક દ્વારા દેશભરમાં એક લાખથી પણ વધુ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન યોજનાનો પ્રથમ હપ્તો સીધો જ તેમના ખાતામાં પહોંચાડ્યો હતો. આ લાભાર્થી ખેડૂતોના નામ અગાઉથી જ PM-KISAN પોર્ટલ પર જાહેર કરી દેવામાં આવ્યા હતા. જેમના નામ આ પોર્ટલ પર હાલમાં રજીસ્ટર નથી થયા તેમણે ગભરાવાની જરૂર નથી કારણકે દરેક રાજ્યોમાં સરકાર ખેડૂતોની પાત્રતાની ઓળખ ગામેગામ જઈને કરી રહ્યા છે.

સરકાર પાસે આ યોજનાના લાભ માટે યોગ્ય એવા ખેડૂતોની એક યાદી છે જેમાં તેમના નામ,મોબાઈલ નંબર અને આધાર કાર્ડની વિગતો પણ છે. આ વિગતોને જે-તે ખેડૂતોની વિગતો મેળવ્યા બાદ અધિકારો તેને કૃષિ વિભાગને સોંપી રહ્યા છે અને વિભાગ બાદમાં આ ડેટાને પીએમ કિસાન પોર્ટલ પર અપલોડ કરી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર જે ખેડૂતોની ઉપરોક્ત વિગતો સરકાર પાસે આવી ચૂકી છે તેમને ગઈકાલે જ રૂ.2,000 નો પ્રથમ હપ્તો પહોંચી ગયો છે. વડાપ્રધાને ગઈકાલે ગોરખપુરમાં આ હપ્તો મેળવનાર કેટલાક ખેડૂતો સાથે સીધી વાતચીત કરી હતી. PM-KISAN યોજનાને ડિસેમ્બર 2018ની પાછોતરી અસરથી લાગુ પાડવામાં આવી છે અને સરકાર આ યોજના પાછળ રૂ. 75  હજાર કરોડનો ખર્ચ કરી રહી છે.

PM-KISAN યોજનાનો લાભ કયા ખેડૂતોને મળે?

  • એવા ખેડૂત પરિવારો જેમાં પતિ-પત્ની અને 18 વર્ષ સુધીના બાળકો હોય.
  • સામુહિક રૂપે આ પરિવારો પાંચ એકર કે તેનાથી ઓછી જમીન પર ખેતી કરતા હોય.
  • પતિ, પત્ની અને બાળકને એક એકમ ગણવામાં આવશે.
  • જે લોકોના નામ 1 ફેબ્રુઆરી 2019 સુધી લેન્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યા છે તેમને આ યોજનાના તત્કાળ લાભાર્થી ગણાશે.
  • આ યોજનાનો લાભ લેવા માટે કૃષિ વિભાગમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
  • પ્રશાસન દરેક ખેડૂતોનું વેરિફિકેશન કરશે અને તેના માટે ખેડૂત પાસે જરૂરી કાગળિયાં હોવા જરૂરી છે.
  • રેવન્યુ રેકોર્ડમાં જમીન માલિકનું નામ હોવું ફરજીયાત છે.

PM-KISAN યોજનાનો લાભ લેવા માંગતા દરેક નાના અને સીમાંત ખેડૂતે પોતાના આધાર કાર્ડ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર, મોબાઈલ નંબર આપવાના રહેશે.