આયુષ્માન ભારત|દેશબીઝનેસ

પુલવામા: હવે એક એક ટમેટાં માટે તરસી જશે પાકિસ્તાન

પુલવામા: હવે એક એક ટમેટાં માટે તરસી જશે પાકિસ્તાન

પુલવામા હુમલો જેમાં 40 CRPF જવાનો શહીદ થયા હતા અને આ ઘટનાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદે લીધી છે ત્યારથી ભારતીયોમાં શોક અને રોષની લાગણી પ્રવર્તી રહી છે. સોશિયલ મિડિયામાં તો ભારતીયો પાકિસ્તાનનો વિરોધ કરી જ રહ્યા છે. આ ઉપરાંત ભારત સરકારે પણ પાકિસ્તાનને આપવામાં આવેલું MFNનું સ્ટેટ્સ પરત ખેંચી ત્યાંથી આયાત થતી તમામ ચીજવસ્તુઓ પર 200% કસ્ટમ ડ્યુટી પણ લાદી દીધી છે.

પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારતનો કિસાન પણ પાછળ નથી રહ્યો. મધ્ય પ્રદેશના ઝાબુઆમાં ટમેટાંનો પુષ્કળ પાક થાય છે. અહીંના ખેડૂતોએ પાકિસ્તાનને ટમેટાં નિકાસ કરવાની સદંતર ના પાડી દીધી છે! આ ખેડૂતોનું કહેવું છે કે જે દેશ અમારા દેશના જવાનોને શહીદ કરે એમના રસોડામાં અમારું ઉત્પાદન પહોંચાડવાની કોઈજ જરૂર નથી.

ઝાબુઆના પેટલાવાદ વિસ્તાર જ્યાં ટમેટાંનું મહત્તમ ઉત્પાદન થાય છે ત્યાંના એક ખેડૂત રવિન્દ્ર પાટીદારે કહ્યું છે કે, “અમે અહીં ટામેટાં ઉગાડીને પાકિસ્તાન મોકલીએ છીએ. તેઓ અમારા ટમેટાં ખાઈને આપણા સૈનિકો પર જ હુમલા કરે છે. આવા પાકિસ્તાનનો નાશ કરવો જોઈએ!” રવિન્દ્ર પાટીદારે એમ પણ કહ્યું હતું કે તેમને નુકશાનની કોઈજ પરવા નથી કારણકે જો સૈનિકો જ નહીં હોય તો આ દેશની રક્ષા કોણ કરશે? અને જો આ દેશની રક્ષા નહીં થાય તો તેઓ પોતાનું કામ શાંતિપૂર્વક કેવી રીતે કરી શકશે?

આ અગાઉ ચાની નિકાસ કરતા નિકાસકારોની સંસ્થાએ પણ શનિવારે જાહેર કર્યું હતું કે ભલે નિકાસકારોને ગમે તેટલું નુકશાન થાય પરંતુ તેઓ પાકિસ્તાનને હવે ચા નિકાસ નહીં જ કરે.

તો સરહદની પેલી પાર અટારી નજીક પાકિસ્તાનના માલસમાનથી લદાયેલા ટ્રકો એમનેમ ઉભા છે, કારણકે પાકિસ્તાની સમાન પર 200% ડ્યુટી લાગી ગઈ હોવાથી હવે ભારતમાંથી કોઇપણ તેમના માલનો લેવાલ નથી. આમ પાકિસ્તાની નિકાસકારો પણ નુકશાની વેઠી રહ્યા છે. અમુક માલસમાન જે ભારત આવવા નીકળી ગયા હતા તેને લાહોર પરત બોલાવી લેવામાં આવ્યા છે.

આમ પાકિસ્તાનને વિશ્વમાં એકલું પાડી દેવાનો અને તેને આર્થિકરીતે ભાંગી નાખવાનો ભારત સરકારની પહેલી યોજના સફળ બની રહી છે. જો આમ જ ચાલતું રહ્યું તો પાકિસ્તાની જનતા ઘણાબધા ભારતીય ખાદ્ય પદાર્થો જોવા માટે પણ તરસી જશે.