બીઝનેસ

મિ. અંબાણી 453 કરોડ રૂપિયા ભરો નહીં તો જેલમાં જાવ: સુપ્રિમ કોર્ટ

મિ. અંબાણી 453 કરોડ રૂપિયા ભરો નહીં તો જેલમાં જાવ: સુપ્રિમ કોર્ટ

સુપ્રિમ કોર્ટે આજે ઉદ્યોગપતિ અનિલ અંબાણીને એક જબરદસ્ત ઝાટકો આપતા ફેંસલો સંભળાવ્યો હતો કે તેઓ અને તેમના રિલાયન્સ ગ્રુપના અન્ય બે ડિરેક્ટર્સને એરિક્સનને જાણીજોઈને રૂ. 550 કરોડ ન ચૂકવવાના દોષી ગણે છે. સ્વિડીશ ટેલિકોમ જાયન્ટ એરિક્સને પોતાના લેણાં ન ચૂકવવા બદલ અનિલ અંબાણી અને રિલાયન્સ ઇન્ફોકોમ પર કોર્ટના અપમાનનો કેસ કર્યો હતો.

જસ્ટિસ આર એફ નરિમાન અને વિનીત સરનની બેન્ચે આરકોમ અને અનિલ અંબાણીને કોર્ટમાં જમા કરવામાં આવેલા રૂ. 118 કરોડની રકમ ઉપરાંત બાકીના રૂ. 453 કરોડ એરિક્સનને ચાર અઠવાડિયામાં ચૂકવી દેવાનો આદેશ આપ્યો હતો, જો અનિલ અંબાણી આમ કરવામાં નિષ્ફળ નીવડે તો તેમને ત્રણ મહિનાની જેલની સજા થશે તેમ પણ અદાલતે જણાવ્યું હતું.

આ ઉપરાંત કોર્ટે રૂ. 1 કરોડ દંડ પેટે પણ કોર્ટમાં જમા કરાવવાનું કહ્યું છે. આ રકમ પણ ચાર અઠવાડિયામાં જમા કરાવવાની રહેશે નહીં તો દરેક ડિરેક્ટરે એક મહિનો જેલની વધારાની સજા કાપવી પડશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.

કોર્ટે આરકોમની એ અરજીને ફગાવી દીધી હતી જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે તેઓએ ન્યાયતંત્ર વિરુદ્ધ અભિમાની વર્તન કરવા બદલ બિનશરતી માફી માંગે છે. કોર્ટે આ અરજીના જવાબમાં કહ્યું હતું કે જ્યારે તમે દેશની સર્વોચ્ચ અદાલતનું અપમાન કરો છો ત્યારે કોઇપણ પ્રકારની ક્ષમા આપી ન શકાય.

આરકોમે સુપ્રિમ કોર્ટના આ નિર્ણય અંગે પ્રતિક્રિયા અપાતા કહ્યું હતું કે તેઓ સુપ્રિમ કોર્ટના આદેશનું સન્માન કરે છે અને તેઓ આ નિર્ણયનું પાલન કરશે.

અગાઉ સુપ્રિમ કોર્ટે અનિલ અંબાણીને આજની સુનાવણીમાં હાજર રહેવાનું ફરમાન કર્યું હતું અને તેઓ ગઈકાલે અને આજે કોર્ટમાં હાજર પણ રહ્યા હતા.

અંબાણીએ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ પોતાની સંપત્તિને પોતાના મોટાભાઈ મુકેશ અંબાણીની રિલાયન્સ જીઓને વેંચવામાં નિષ્ફળ નીવડ્યા હતા અને તેમની કંપનીએ ઇન્સોલ્વન્સી કાયદા હેઠળ પ્રક્રિયા શરુ કરી હોવાથી તે નાણા ચૂકવવા માટે સમર્થ નથી. એરિક્સનને બાકી લેણાં ચૂકવવા માટે તેમણે આકાશ પાતાળ એક કર્યા હતા પરંતુ સંપત્તિ ન વેંચાતા તેઓ નિષ્ફળ નીવડ્યા હતા.