Featured|દેશ

મુલાયમસિંહ યાદવે લોકસભામાં એક કાંકરે ઘણાબધા પક્ષીઓ માર્યા

373views

ગઈકાલે 16મી લોકસભાનો વિદાય સમારંભ હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાની પ્રથમ લોકસભાના અનુભવો વર્ણવ્યા હતા અને આ પાંચ વર્ષમાં આ લોકસભાએ કઈ કઈ સિદ્ધિઓ હાંસલ કરી તેની આખી એક યાદી ગણાવી હતી. પરંતુ ગઈકાલે લોકસભામાં સહુથી વધુ ધ્યાન ખેંચતું અને લોકસભાના તમામ સભ્યો અને દર્શકોને આશ્ચર્યચકિત કરી દેતું ભાષણ સમાજવાદી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને પીઢ રાજકારણી મુલાયમસિંહ યાદવે આપ્યું હતું.

લોકસભા અધ્યક્ષ અને તમામ લોકસભા સભ્યોનો આભાર માન્યા બાદ મુલાયમસિંહે એવી આશા વ્યક્ત કરી હતી કે આવનારી લોકસભામાં પણ અત્યારે જે સભ્યો બેઠા છે એ તમામ ફરીથી ચૂંટાઈને આવે. ત્યારબાદ મુલાયમસિંહ એમ બોલ્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ પ્રશંસા કરતા કહ્યું હતું કે, “તમે બધા સાથે મળીને બધાનું કામ કર્યું છે. અમે  જ્યારે પણ તમને કોઈ કામ કરવાની વિનંતી કરી તમે તેને ખુશી ખુશી કરી આપ્યું હતું. હું તમારો આદર કરું છું, સન્માન કરું છું કે તમે કાયમ બધાને સાથે લઈને કાર્ય કરવાનો પૂરો પ્રયાસ કર્યો. આટલી બધી બહુમતી હોવા છતાં કોઈ તમારી વિરુદ્ધ બોલતું નથી કે કોઈ તમારી વિરુદ્ધ ટિપ્પણી કરતું નથી તે માટે તમે વિશેષ શુભેચ્છાને પાત્ર છો. મારી અપેક્ષા છે, મારી કામના છે કે જેટલા પણ માનનીય સદસ્ય છે તે તમામ ફરીથી જીતીને પરત આવે. હું તો એમ પણ ઈચ્છું છું કે તમે ફરીથી પ્રધાનમંત્રી બનો!”

આમ કહીને મુલાયમસિંહ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે હાથ જોડ્યા હતા અને વડાપ્રધાને પણ વળતા જવાબ રૂપે સ્મિત સાથે મુલાયમને હાથ જોડ્યા હતા.

ભલે, આ લોકસભાની અંતિમ બેઠક હતી એટલે કોઇપણ વાદવિવાદ કર્યા વગર પક્ષ અને વિપક્ષના સભ્યો એકબીજાની પ્રશંસા કરતા હતા અને ટીકા કરવાથી દૂર રહ્યા હતા પરંતુ મુલાયમસિંહનું ગઈકાલનું વ્યક્તવ્ય જરૂર રાજકીય મહત્ત્વ ધરાવે છે. આપણને ખબર જ છે કે બે વર્ષ અગાઉ ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ અગાઉ સમાજવાદી પાર્ટીમાં બે ફાડિયા પડી ગયા હતા. મુલાયમસિંહના પુત્ર અખિલેશ અને ભાઈ શિવરાજસિંહ વચ્ચેના મતભેદો એટલા ઉગ્ર બન્યા કે મુલાયમે વર્ષોની મહેનતથી ઉભી કરેલી સમાજવાદી પાર્ટી ભાંગી પડી હતી.

મુલાયમસિંહે એ સમયે પહેલા દબાયેલા સૂરમાં અને બાદમાં ખુલ્લેઆમ ભાઈ શિવરાજની તરફેણ કરી હતી. સમાજવાદી પાર્ટીના મોટાભાગના વિધાનસભ્યો અને રાજ્યસભાના સભ્યોને પોતાની તરફ કરીને અખિલેશ કદાચ એવું માનતા હતા કે હવે તેમનો રસ્તો સરળ છે. પરંતુ વિધાનસભાની ચૂંટણીઓમાં તેમને જબરદસ્ત હારનો સામનો કરવો પડ્યો.

હવે પરિસ્થિતિ એવી છે કે મુલાયમસિંહ પોતાની વધતી જતી ઉંમરને લીધે રાજકીય સંન્યાસ તરફ આગળ વધી રહ્યા છે. જો કે કોઇપણ પીઢ રાજકારણીની માફક તેઓ આટલી  મોટી ઉંમર હોવા છતાં આવનારી લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા તો વ્યક્ત કરશે જ. પરંતુ તેઓ પુત્ર સાથેના ખુલ્લા વિરોધને લીધે સમાજવાદી પાર્ટીની ટીકીટ પરથી ચૂંટણી લડે એ શક્યતાઓ ઓછી છે અને ભાઈ શિવરાજે હજીસુધી ઉત્તર પ્રદેશમાં કોઈ ખાસ કાઠું કાઢ્યું હોય એવું લાગતું નથી કે જેનાથી તે અખિલેશ માટે પડકાર બનીને ઉભા થાય.

આ ઉપરાંત આ વખતની લોકસભાની ચૂંટણીઓ માટે અખિલેશે પોતાના પિતાના કટ્ટર દુશ્મન માયાવતી સાથે હાથ મેળવ્યા છે. હવે કટ્ટર દુશ્મન સાથે મળીને મુલાયમસિંહ ચૂંટણી લડે એ લગભગ અશક્ય છે. જે માયાવતી સાથે મુલાયમ ઉભા રહેવા પણ તૈયાર ન હતા એ કેવી રીતે એ ગઠબંધનનો હિસ્સો બનવાનું પસંદ કરે જેમા પચાસ ટકા ભૂમિકા માયાવતીની હોય? આમ મુલાયમસિંહ આ વખતે ઈચ્છા હોવા છતાં લોકસભાની ચૂંટણી લડે તે લગભગ શક્ય બનવાનું નથી.

તો જતાં જતાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનવાના આશીર્વાદ આપીને પુત્ર અખિલેશને પણ સાનમાં સમજાવી દીધું છે કે જો તું મારી સલાહ અનુસાર નહીં ચાલે તો તારું ભવિષ્ય તને મેં દેખાડી દીધું છે. આમ મુલાયમસિંહે પોતાની રાજકીય સમજદારીનો ભરપૂર ઉપયોગ કરીને અને પૂરતો વિચાર કરીને જ પોતાનું ગઈકાલનું નિવેદન આપ્યું છે, કારણકે તેઓ જાણે છે કે તેમણે આટલા વર્ષોથી જે માયાવતી વિરુદ્ધ પોતાના કાર્યકર્તાઓ અને નેતાઓને તૈયાર કર્યા હતા એ સમય આવે અખિલેશનો સાથ છોડી દેશે અને પરિણામે ઉત્તર પ્રદેશમાં ફરીથી ભાજપનો ભગવો લહેરાશે.

મુલાયમસિંહે બીજું પક્ષી મહાગઠબંધનના નામનું પણ માર્યું છે. તમામ સભ્યો ફરીથી ચૂંટાઈને આવે અને નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને એમ કહીને મુલાયમે સ્પષ્ટ કરી દીધું છે કે કહેવાતા મહાગઠબંધનમાં એ તાકાત નથી કે તે એક બને અને એક બને તો પણ તે નરેન્દ્ર મોદીને ફરીથી દેશના વડાપ્રધાન બનવાથી રોકી નહીં શકે.

ત્રીજું પક્ષી એટલેકે સોનિયા ગાંધી અને કોંગ્રેસ છે જેને ગઈકાલે મુલાયમસિંહ યાદવે એક જ લીટીમાં સમજાવી દીધું હતું કે કોંગ્રેસની નબળાઈ તેને આ વખતે નડી જવાની છે. આ પહેલીવાર નથી જ્યારે મુલાયમસિંહે સોનિયા ગાંધીની અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધું હોય. પંદર વર્ષ અગાઉ જ્યારે સોનિયા ગાંધી લગભગ દેશના વડાપ્રધાન બનવા માટે તૈયાર હતા ત્યારે ભાજપ ઉપરાંત તેમના વિદેશી મૂળનો વિરોધ કરવામાં મુલાયમસિંહ પણ સામેલ હતા. આ સમયે દેશમાં સમાજવાદી પાર્ટીની પીપૂડી વાગતી હતી અને આવામાં જો ભવિષ્યમાં જરૂર પડે તો સમાજવાદી પક્ષનો ટેકો મળે એ ફેક્ટર પણ સોનિયા ગાંધીને વડાપ્રધાનપદ જતું કરવા માટે ફોર્સ કરી ગયું હતું.

અને બન્યું પણ એવું. જ્યારે અમેરિકા સાથે ન્યૂક્લિયર ડીલના મામલે વામપંથીઓએ મનમોહનસિંહની સરકારને આપેલું સમર્થન પરત લઇ લીધું ત્યારે પૂર્વ રાષ્ટ્રપતિ એ પી જે અબ્દુલ કલામને મુલાયમસિંહ અને અમરસિંહ રૂબરૂમાં મળ્યા હતા અને આ ડીલ ભારત માટે યોગ્ય છે કે નહીં એની ખાતરી કરીને એ વખતની સરકારને બચાવી લીધી હતી.

આમ આ રીતે મુલાયમસિંહ યાદવે ગઈકાલે પોતાના વક્તવ્ય રૂપી એક માત્ર કાંકરા દ્વારા માત્ર વ્યક્તિગત જ નહીં પરંતુ રાજકીય  પક્ષીઓ પણ માર્યા હતા.