Featured|દેશઆયુષ્માન ભારત|દેશ

આયુષ્માન ભારત યોજનાએ બે ગરીબ મહિલાઓની જિંદગી બદલી નાખી

આયુષ્માન ભારત યોજનાએ બે ગરીબ મહિલાઓની જિંદગી બદલી નાખી

હજી ત્રણ મહિના અગાઉ જ શરુ કરવામાં આવેલી આયુષ્યમાન ભારત યોજનાથી લાખો ગરીબોને ફાયદો મળવા લાગ્યો છે. આ યોજનામાં દરેક ગરીબ વ્યક્તિને દેશની સરકારી તેમજ પ્રાઈવેટ હોસ્પિટલોમાં સારવાર માટે રૂ. પાંચ લાખ સુધી મફત સારવાર મળે છે. એક આંકડા અનુસાર અત્યારસુધીમાં લાખો ગરીબોએ આ યોજનાનો ફાયદો ઉઠાવ્યો છે જેમાં હ્રદયરોગથી માંડીને કેન્સર સુધીની સર્જરી કરવામાં આવી છે.

બે ખાસ કિસ્સા ગઈકાલે સામે આવ્યા હતા જે આયુષ્યમાન યોજનાની પહોંચ અને તેની સફળતા કેટલી બધી છે તેના પર પ્રકાશ પાડે છે. ગઈકાલે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ. હર્ષવર્ધને ટ્વીટ કરીને બે ઉદાહરણો આપ્યા હતા જેનાથી આયુષ્યમાન ભારત યોજનાની સફળતા કેટલી વિશાળ છે તેનો ખ્યાલ આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે શરુ કરેલી આ યોજનાથી બે ગરીબ મહિલાઓને એવા સમયે સારવાર મળી હતી જ્યારે તેમના જીવન પર એક યા બીજી રીતે જોખમ ઉભું થયું હતું.

હરિયાણાની પૂરણ કૌર જેના પતિ મજૂરી કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેની આંખની સારવાર કરવી અત્યંત જરૂરી હતી. પૂરણ કૌરના પતિને દરરોજ મજૂરી કામ મળતું પણ ન હતું. આવામાં તેઓ આંખની સર્જરી અંગે વિચારી પણ ન શકે. પરંતુ આ દંપત્તિ જ્યારે પૂરણ કૌરની આંખની તપાસ કરાવવા માટે દિલ્હીની AIIMSમાં ગયું ત્યારે તેમને આયુષ્યમાન ભારત યોજના અંગે ખબર પડી.

AIIMSના ડોક્ટરોએ પૂરણ કૌર તેમજ તેના પતિનું આ યોજના હેઠળ ગોલ્ડ કાર્ડ બનાવી આપ્યું અને પૂરણ કૌરની સમગ્ર સર્જરી વિનામૂલ્યે AIIMSમાં સફળતાપૂર્વક પૂર્ણ થઇ. આજે પૂરણ કૌર ખુશ છે કારણકે તેની આંખ બચી ગઈ છે અને તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આયુષ્યમાન યોજના લાવવા બદલ આભાર પણ વ્યક્ત કરી રહી છે.

બીજો એક કિસ્સો જે ડૉ હર્ષવર્ધને શેર કર્યો છે તે છે દિલ્હીની જ સીમાનો. સીમા ત્રીજી વખત સગર્ભા બની હતી અને આ વખતે તેની ડિલીવરી અત્યંત ક્રીટીકલ બની ગઈ હતી. સીમાના પતિ ગમેતેમ કરીને બે વખતનું ભોજન એકઠું કરી શકતો હતો. આવામાં તેણે સીમાની ડિલીવરી શક્ય ન હોવાનું કહ્યું. સીમાએ ડિલીવરી માટે પોતાના ઘરેણાં સુદ્ધાં વેંચી નાખવાની વાત કરી દીધી હતી.

ત્યાં સીમાના પતિને આયુષ્યમાન ભારત યોજના વિષે ખબર પડી. સીમાના પતિએ દિલ્હીની એટલાન્ટા હોસ્પિટલમાં સીમાની ડિલીવરી કરાવી અને સીમાએ એક તંદુરસ્ત બાળકને જન્મ પણ આપ્યો. સીમા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધન્યવાદ આપી રહી છે કારણકે તેમની આયુષ્માન ભારત યોજનાથી ફક્ત તેની ક્રિટીકલ ડિલીવરી જ સરળ ન બની પરંતુ તેનું જીવન પણ બચી ગયું.

આ બંને મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માત્ર ધન્યવાદ જ નથી આપ્યા, તેમણે તેમને આવનારી ચૂંટણીઓમાં વિજય મેળવીને ફરીથી દેશના વડાપ્રધાન બનવાના આશિર્વાદ પણ આપ્યા છે અને સાથેસાથે એમ પણ કહ્યું છે કે તેઓ હવે પોતાના સગાંસંબંધીઓને પણ કહેશે કે તેઓ વડાપ્રધાન મોદીને જ મત આપે.

આ બંને કિસ્સાઓ વિપક્ષો માટે તમાચો છે જે નરેન્દ્ર મોદીને પાંચ ઉદ્યોગપતિઓની સરકાર બતાવી રહ્યા છે. આયુષ્યમાન યોજનાનું તો એક જ  ઉદાહરણ છે, બાકી તેના સિવાય NDA સરકારની ઉજ્જ્વલા યોજના, મુદ્રા યોજના જેવી અન્ય અસંખ્ય એવી યોજનાઓ છે જે ગરીબલક્ષી છે અને ગરીબોને તેનો ફાયદો પણ મળી રહ્યો છે.