Featured|દેશ

પોતાના અને હાથીઓના પૂતળાઓ પર કરેલો ખર્ચ માયાવતીએ પરત કરવો જોઈએ: સુપ્રિમ કોર્ટ

પોતાના અને હાથીઓના પૂતળાઓ પર કરેલો ખર્ચ માયાવતીએ પરત કરવો જોઈએ: સુપ્રિમ કોર્ટ

માયાવતી માટે આજે સુપ્રિમ કોર્ટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. સુપ્રિમ કોર્ટે આજે જણાવ્યું હતું કે નોઇડા પાસે તેમણે બનાવેલા પોતાના પુતળાઓ પર ખર્ચ કરેલા લોકોના પૈસા તેમણે પાછા આપવા જોઈએ. સુપ્રિમ કોર્ટમાં માયાવતી વિરુદ્ધ જનતાના પૈસા ખોટી રીતે વાપરવાના આરોપસર એક PIL દાખલ કરવામાં આવી છે જેના પર આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થઇ હતી.

નોઇડા અને લખનૌના પાર્કમાં માયાવતીના, તેમના માતાપિતાના, હાથીના (બસપાનું ચૂંટણી ચિન્હ), બી આર આંબેડકર, કાંશીરામ અને જ્યોતિબા ફૂલેના પૂતળાઓ લગાવવામાં આવ્યા છે. પરંતુ સુપ્રિમ કોર્ટે માત્ર માયાવતીના તેમજ હાથીના પૂતળાઓ પર થયેલા ખર્ચને પરત કરવાની વાત કરી છે. આ મામલાની આગલી સુનાવણી 2જી એપ્રિલે કરવામાં આવશે.

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોવોઈની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું હતું કે, “આ અમારો કામચલાઉ મત છે, મેડમ માયાવતીએ આ હાથીઓ પર ખર્ચ થયેલા જનતાના નાણા પરત કરવા જોઈએ.”

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે પોતાના શાસનકાળમાં માયાવતીએ દલિત નેતાઓની યાદમાં બે વિશાળ પાર્ક બનાવ્યા હતા જેમાં તેમણે પોતાના પુતળાઓ પણ સામેલ કર્યા હતા. એક અંદાજ અનુસાર આ પાર્ક પાછળ રૂ. 5,919 કરોડનો ખર્ચ થયો હતો.

આ પીટીશન 2009માં ફાઈલ કરવામાં આવી હતી અને બહુ લાંબા સમય બાદ તેના પર સુનાવણી થઇ હતી. આ અગાઉ આ પાર્ક અંગે સુપ્રિમ કોર્ટે પર્યાવરણ સહીત અન્ય મુદ્દાઓ પર વચગાળાના હુકમો આપી દીધા છે.

ભૂતકાળમાં વિવિધ ચૂંટણીઓ દરમ્યાન ચૂંટણી પંચે પણ આ હાથીઓને ઢાંકવાના હુકમો કર્યા હતા.