Featured|ગુજરાત

ઊંઝાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા

ઊંઝાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા

છેવટે લગભગ એક અઠવાડિયાની અટકળોનો અંત આણતા ઊંઝાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ આજે વિધિવત ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસમાં પોતાનો અવાજ સંભળાતો ન હોવાનો આરોપ મૂકીને આશાબેને ગયા અઠવાડીએ જ કોંગ્રેસ તેમજ પોતાના વિધાનસભ્યના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. અત્રે અહીં એ નોંધનીય છે કે ગઈકાલે આશાબેન પટેલ ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પણ મળ્યા હતા અને બાદમાં નીતિનભાઈ પટેલે પત્રકારોને જણાવતા કહ્યું હતું કે ભાજપમાં જોડાવું કે નહીં એ નિર્ણય તેમણે આશાબેન પર છોડ્યો છે.

આજે પાટણમાં ભાજપની ક્લસ્ટર બેઠક આયોજિત થઇ હતી અને ત્યાંજ આશાબેન પટેલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના  હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. આશાબેન સાથે 10 કોર્પોરેટરોએ પણ કોંગ્રેસ છોડીને ભાજપનો કેસરિયો ખેસ સ્વીકાર્યો છે. આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રીઓ પરબતભાઈ પટેલ, દિલીપભાઈ ઠાકોર અને વિભાવરીબેન દવે પણ  હાજર હતા.

બાદમાં પત્રકારો સાથે વાત કરતા આશાબેને કહ્યું હતું કે તેમની ભાજપ સાથે કોઈજ ડીલ થઇ નથી અને તેઓ ભાજપના એક કાર્યકર્તા તરીકે જ પક્ષનું કાર્ય કરશે.

આશાબેનને કોંગ્રેસમાં જાળવી રાખવા માટે ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરે ઘણી કોશિશ કરી હતી. આ ઉપરાંત કેટલાક કોંગ્રેસી નેતાઓએ છેક દિલ્હી સુધી રજૂઆત કરી હતી પરંતુ છેવટે આશાબેને ઉઠાવેલા મુદ્દાઓ પર કોંગ્રેસી હાઈકમાન્ડે ધ્યાન ન આપતા આશાબેને કોંગ્રેસ છોડી દીધી હતી.

જાણવા મળ્યા અનુસાર ઊંઝા નગરપાલિકામાં જ્યાં અત્યારસુધી કોંગ્રેસ અને અપક્ષોનું શાસન હતું ત્યાં પણ હવે કેસરિયો લહેરાશે કારણકે તમામ અપક્ષ સભ્યોએ હવે ભાજપને સમર્થન આપવાનું નક્કી કર્યું છે.