Featured|દેશટેકનોલોજી

આવી રહી છે ભારતની પ્રથમ એન્જીન રહિત ટ્રેન ‘વંદે ભારત એક્સપ્રેસ’

આવી રહી છે ભારતની પ્રથમ એન્જીન રહિત ટ્રેન ‘વંદે ભારત એક્સપ્રેસ’

આવનારી 15મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની સર્વપ્રથમ એન્જીન રહિત ટ્રેન ‘વંદે ભારત એક્સપ્રેસ’ ને નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર લીલી ઝંડી દેખાડશે. એન્જીન વગરની આ ટ્રેન નવી દિલ્હી અને વારાણસી વચ્ચે દોડશે. અગાઉ રેલ્વેમંત્રી પીયુષ ગોયલે આ ટ્રેનનું વંદે ભારત એક્સપ્રેસ નામકરણ કર્યું હતું.

આ ટ્રેન પૂર્ણપણે સ્વદેશી છે અને તેનું નિર્માણ ચેન્નાઈની ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં કરવામાં આવ્યું છે. આ ટ્રેન પાછળ લગભગ રૂ. 100 કરોડનો ખર્ચ થયો છે. સંપૂર્ણ સ્વદેશી, એન્જીન રહિત હોવા ઉપરાંત વંદે ભારત એક્સપ્રેસ દેશની સહુથી તેજગતિએ ચાલતી ટ્રેન પણ બની જશે. ટ્રેનના ટ્રાયલ સમયે તેની ગતી 180 કિલોમીટર પ્રતિ કલાક નોંધવામાં આવી હતી.

રેલવે દ્વારા મળેલી જાણકારી અનુસાર 15 ફેબ્રુઆરી સવારે દસ વાગ્યે વડાપ્રધાન આ ટ્રેનને લીલી ઝંડી દેખાડશે અને ત્યારબાદ તેઓ નવી દિલ્હી સ્ટેશને જ આયોજિત એક કાર્યક્રમમાં પોતાનું ઉદબોધન પણ કરશે. એક રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર સંપૂર્ણપણે સ્વદેશી એવી આ ટ્રેન 30 વર્ષ જૂની શતાબ્દી એક્સપ્રેસનું સ્થાન લેશે જે માટે સમગ્ર રેલવે વિભાગને ગર્વ છે.

લગભગ ભારતના કોઇપણ શહેરમાં દોડતી મેટ્રો ટ્રેન જેવી જ લગતી વંદે એક્સપ્રેસ ભલે એન્જીન રહિત હોય પરંતુ તેની બન્ને તરફ ડ્રાઈવર કેબીન હશે. આમ ટ્રેન માટે વારેવારે એન્જીન બદલવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર વર્ષ 2019-20 સુધીમાં આવી બીજી 5 ટ્રેનો બનાવી લેવામાં આવશે.

જે ગતિએ વંદે ભારત એક્સપ્રેસ દોડવાની છે તેનાથી તે શતાબ્દી ટ્રેનો કરતા પંદર ટકા ઓછો સમય લેશે અને થોડા જ સમયમાં તે તમામ શતાબ્દી એક્સપ્રેસનું સ્થાન લઇ લેશે.

વંદે ભારત એક્સપ્રેસમાં કુલ 16 કોચ હશે જેમાંથી 12 એસી સામાન્ય અને બે કોચ એક્ઝીક્યુટીવ ક્લાસના હશે. સામાન્ય કોચમાં 78 સીટ હશે જ્યારે એક્ઝીક્યુટીવ ક્લાસમાં 52 સીટ હશે. દેશમાં પ્રથમવાર બનેલી આ ટ્રેનને બનાવવામાં લગભગ દોઢ વર્ષનો સમય લાગ્યો છે. ટ્રેનની ડીઝાઈન એ પ્રકારની છે જેનાથી પ્રવાસીઓ ડ્રાઈવરની કેબીનની અંદર પણ જોઈ શકશે.