Featured|ગુજરાત

હાર્દિકનું ચૂંટણી લડવું એટલે પાટીદાર સમાજ સાથે વિશ્વાસઘાત – બાંભણિયા

હાર્દિકનું ચૂંટણી લડવું એટલે પાટીદાર સમાજ સાથે વિશ્વાસઘાત – બાંભણિયા

હાર્દિક પટેલે હજી તો પોતે લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત જ કરી છે ત્યાંજ તેની વિરુદ્ધ તેનાજ પૂર્વ સાથીદારોએ પોતાનો સૂર ઉંચો કરી દીધો છે. એક દિવસ અગાઉ જ હાર્દિક પટેલે સક્રિય રાજકારણમાં એન્ટ્રી કરવાની જાહેરાત કરી હતી. જો કે આ મામલે હાર્દિક પટેલનું સ્ટેન્ડ સતત બદલાતું રહ્યું છે. અગાઉ તો તે રાજકારણમાં ક્યારેય નહીં જોડાય અને માત્ર પાટીદાર સમાજ માટે માત્ર લડત લડવાની જ વાત કરતો હતો પરંતુ હવે સંજોગો બદલાયા છે.

એવું જાણવા મળ્યું છે કે હાર્દિક પટેલની ઉંમર 25 વર્ષ થઇ જતા હવે તે કાયદાની દ્રષ્ટિએ ચૂંટણી લડી શકે તેમ હોવાથી અત્યારસુધી મગનું નામ મરી પાડતો ન હતો. પરંતુ જાહેરાત કર્યા બાદ હાર્દિક પટેલનો વિરોધ પાટીદાર સમાજના આગેવાનોમાં જ શરુ થઇ ગયો છે.

સહુથી આક્રમક વિરોધ હાર્દિક પટેલના એકસમયના સહુથી વિશ્વાસુ દિનેશ બાંભણિયાએ કર્યો છે. હાર્દિક પટેલના નિર્ણય અંગે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે હાર્દિક પટેલે પટેલ સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે. દિનેશ બાંભણિયાએ આગળ જણાવ્યું હતું કે હાર્દિક પટેલ અને કોંગ્રેસ મળી ગયા છે અને તેના ઈશારે જ આશાબેન પટેલે પોતાની વિધાનસભાની બેઠક પરથી રાજીનામું આપ્યું છે.

તો હાર્દિક પટેલની PAAS સાથે મળીને પાટીદાર અનામત આંદોલન કરી ચૂકેલા SPGના અધ્યક્ષ લાલજી પટેલે પણ હાર્દિકની ચૂંટણી લડવાની ઘોષણાની ટીકા કરી હતી. લાલજી પટેલનું કહેવું હતું કે, ખરેખર તો હાર્દિકે પહેલા પટેલ સમાજની સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ અને બાદમાં રાજકારણમાં જોડાવાનું કે પછી ચૂંટણી લડવાનો નિર્ણય લેવો જોઈએ.

બીજી તરફ કેટલીક ન્યૂઝ ચેનલોના અહેવાલ એમ કહી રહ્યા છે કે ભલે હાર્દિક પટેલે પોતે કઈ બેઠકથી લોકસભાની ચૂંટણી લડશે તેની જાહેરાત નથી કરી પરંતુ કોંગ્રેસે તેને અમરેલી બેઠક ઓફર કરી છે અને હાર્દિક પટેલનું અને કોંગ્રેસનું છૂપું ગઠબંધન ખુલ્લું ન પડી જાય એટલે કોંગ્રેસ અહીં પોતાનો ઉમેદવાર ઉભો નહીં કરે અને હાર્દિક પટેલ અપક્ષ તરીકે ચૂંટણી લડશે.