તાજા સમાચારFeatured|દેશ

મમતાને સુપ્રિમ ઝટકો: સર્વોચ્ચ અદાલતે રાજીવ કુમારને CBIને સહકાર આપવા હુકમ કર્યો

મમતાને સુપ્રિમ ઝટકો: સર્વોચ્ચ અદાલતે રાજીવ કુમારને CBIને સહકાર આપવા હુકમ કર્યો

સુપ્રિમ કોર્ટે આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને ઝટકો આપ્યો છે. કોર્ટની અવમાનનાની CBIની અપીલને સુનાવણી માટે સ્વીકાર કરતા સુપ્રિમ કોર્ટે બંગાળના DGP, કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમાર અને રાજ્યના મુખ્ય સચિવને પોતાનો જવાબ આપવાનો હુકમ કર્યો છે.

વધુમાં સુપ્રિમ કોર્ટે વિવાદિત કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારને આવનારી 20મી તારીખે સુપ્રિમ કોર્ટ સમક્ષ હાજર થવાનો પણ હુકમ કર્યો છે. સુનાવણી દરમ્યાન ચિફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું હતું કે, “અમે કોલકાતા પોલીસ કમિશનરને તપાસમાં સહકાર આપવાનો હુકમ કરીએ છીએ. અત્યારે મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે એટલે રાજીવ કુમારે CBI સમક્ષ હાજર થવું પડશે, જો કે તેમની ધરપકડ હાલમાં કરવામાં ન આવે.”

પશ્ચિમ બંગાળની સરકાર તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવી કોર્ટ સમક્ષ હાજર થયા હતા અને તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીની જાહેરસભાના બે દિવસ બાદ જ કેમ CBI રાજીવ કુમારના ઘરે પહોંચી હતી? જ્યારે રાજ્યના DGPએ તપાસમાં સહકાર કરવાની ગેરંટી આપી હતી. રાજીવ કુમારની વિરુદ્ધ કોઈ FIR પણ નથી. તેમને CBIએ પૂછપરછ માટે નોટીસ મોકલવી જોઈએ નહીં કે તેમને પરેશાન કરવા જોઈએ.

તો ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કોલકાતાના વિવાદિત પોલીસ કમિશનર રાજીવ કુમારના વકીલને પણ સવાલ કર્યો હતો કે, તેમને પૂછપરછથી તકલીફ કેમ છે?

એટર્ની જનરલે કોર્ટમાં કહ્યું હતું કે શારદા કૌભાંડના મુખ્ય આરોપી સુદીપ્તો સેનના કોલ અને કમ્પ્યુટર ડેટા સાથે SITએ રાજીવ કુમાર જ્યારે તેના પ્રમુખ હતા ત્યારે તેની સાથે છેડછાડ કરી હતી એટલુંજ નહીં પરંતુ તેનો નાશ પણ કરવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે ગઈકાલે સુપ્રિમ કોર્ટે CBI પાસે માંગેલા પૂરાવા પણ આજે CBIએ કોર્ટને સોંપી દીધા હતા.

બીજી તરફ CBIએ કોર્ટમાં એક એફિડેવિટ પણ રજૂ કરી હતી જેમાં કહેવામાં આવ્યું છે કે રાજીવ કુમારની ભૂમિકાની તપાસ ચાલી રહી છે. જે કંપનીઓએ તૃણમૂલ કોંગ્રેસને ફાળો આપ્યો છે તે તમામને SITએ બચાવવાની કોશિશ કરી હતી એટલું જ નહીં પરંતુ SIT દ્વારા CBIને સોંપવામાં આવેલા દસ્તાવેજો પણ અધૂરા હતા.

કોર્ટનો આદેશ આવ્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે તેઓ ઉતાવળમાં કોઈજ પ્રક્રિયા નહીં આપે.

આમ હવે આ મામલો આ મહિનાની 20મી તારીખે આગળ વધશે.