Featured|દેશ

ચંદ્રાબાબુ માટે NDAના દ્વાર હંમેશ માટે બંધ કરતા અમિત શાહ

ચંદ્રાબાબુ માટે NDAના દ્વાર હંમેશ માટે બંધ કરતા અમિત શાહ

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુની આકરી ટીકા કરતા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે જણાવ્યું છે કે નાયડુ માટે હવે NDAના દ્વાર હંમેશ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. અમિત શાહ ગઈકાલે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જીલ્લામાં રાજ્ય ભાજપની બસ યાત્રાને ઝંડી દેખાડવાના પ્રસંગે કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા.

અમિત શાહે કહ્યું હતું કે, “હું આંધ્રપ્રદેશના લોકો અને રાજ્ય ભાજપના કાર્યકર્તાઓને સુનિશ્ચિત કરવા માંગું છું કે અમે નાયડુ માટે NDAના દ્વાર હંમેશ માટે બંધ કરી દીધા છે. તેઓ હવે આ ગઠબંધનમાં ક્યારેય કોઈ સ્થાન પામશે નહીં.” શાહે નાયડુ પર આરોપ મૂક્યો હતો કે તેઓ સત્તા માટે વારંવાર ગઠબંધનો બદલતા રહે છે. તેમણે સર્વપ્રથમ કોંગ્રેસ ધારાસભ્ય તરીકે કારકિર્દી શરુ કરી હતી, ત્યારબાદ તેઓએ એન ટી રામારાવની તેલુગુ દેસમ પાર્ટી (TDP) જોઈન કરી હતી જ્યારે કોંગ્રેસ આંધ્રમાંથી સત્તા ગુમાવી ચુકી હતી, પરંતુ બાદમાં તેમણે રામારાવને દગો દીધો અને સમગ્ર પાર્ટીને પોતાના કબજામાં લઇ લીધી હતી.”

અમિત શાહે યાદ દેવડાવ્યું હતું કે જ્યારે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા હતા ત્યારે ચંદ્રાબાબુએ NDAમાં સામેલ થવાનો નિર્ણય લીધો હતો પરંતુ 2004માં જ્યારે વાજપેયી ચૂંટણી હારી ગયા ત્યારે નાયડુ NDA છોડીને જતા રહ્યા હતા. ત્યારબાદ દસ વર્ષ નાયડુ કોઈજ નિર્ણય ન કરી શક્યા અને પાંચ વર્ષ પહેલા જ્યારે તેમને એમ લાગ્યું કે તેઓ એકલેહાથે ક્યારેય સત્તા નહીં મેળવી શકે ત્યારે તેમણે મોદીજીની મદદ માંગી હતી અને NDAમાં પરત આવ્યા હતા.

શાહે કહ્યું હતું કે મોદી સરકારે કોઇપણ કોંગ્રેસ સરકાર કરતા આંધ્રને દસગણું ફંડ આપ્યું હતું પરંતુ તેમ છતાં નાયડુએ NDA છોડી દીધું. અમિત શાહે ચંદ્રાબાબુ નાયડુને પ્રશ્ન કર્યો હતો કે તેઓ આંધ્રની જનતાને સ્પષ્ટતા કરે કે તેઓએ આ વખતે શા માટે NDA છોડી દીધું? એ સમયે જ્યારે સરકારે રાજ્યને માંગે ત્યારે અને માંગે એટલું ફંડ આપ્યું હતું. વાત એટલી જ છે કે નાયડુને વિકાસમાં નહીં પરંતુ ભ્રષ્ટાચાર કરવામાં જ રસ છે.

અમિત શાહે નાયડુ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે સ્પેશીયલ પેકેજની માંગણી કરીને આંધ્રની પ્રજાની લાગણી સાથે રમત રમી હતી કારણકે પ્રજા તેમનાથી ગુસ્સે હતી અને હવે તેઓ પોતાના પુત્રને મુખ્યમંત્રી બનાવવા માંગે છે.