Featured|દેશ

EVM હેકિંગના આરોપો વચ્ચે એક મોટો સવાલ: કપિલ સિબલ ત્યાં શું કરી રહ્યા હતા?

311views

ગઈકાલે ભારતીય રાજકારણમાં ધરતીકંપ લાવી દેશે એવી એક ઘટના બની હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. લંડનમાં બેસેલા એક કહેવાતા EVM એક્સપર્ટ સઈદ શુજાએ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા દાવો કર્યો હતો કે EVMનું હેકિંગ થઇ શકે છે એટલુંજ નહીં પરંતુ તેણે 2014માં EVM હેક કર્યું હતું! આ ઉપરાંત આ કહેવાતા હેકરે એવો મુર્ખામીભર્યા દાવામાં એમ પણ કહ્યું હતું કે આ હેકિંગની ખબર સ્વર્ગસ્થ ગોપીનાથ મુંડેને પડી ગઈ હતી અને એટલેજ તેમની હત્યા કરવામાં આવી હતી!

પહેલેથી છેલ્લે સુધી આ સમગ્ર પ્રેસ કોન્ફરન્સ રાજકીય રીતે પ્રેરિત હોવાનું જણાઈ આવતું હતું ખાસકરીને ત્યારે જ્યારે આ હેકાથોનની પ્રેસ કોન્ફરન્સમાં છેક છેલ્લે વરિષ્ઠ કોંગ્રેસી નેતા કપિલ સિબલને બેસેલા જોવામાં આવ્યા હતા. જો કે એક તરફ તો કોંગ્રેસે પોતાની જૂની EVMની રેકોર્ડ વગાડવી ફરીથી શરુ કરી હતી પરંતુ કપિલ સિબલની હાજરી એમની વ્યક્તિગત હોવાનો પણ તેણે દાવો કર્યો હતો જે પરસ્પર રીતે વિરોધી બાબતો છે.

ચાલો જાણીએ પેલા કહેવાતા EVM હેકરના કેટલાક હાસ્યાસ્પદ દાવાઓ અને તેના ખુલાસાઓ

દાવો 1: 2014ની લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાત અને ઉત્તર પ્રદેશના EVM હેક થયા હતા જ્યારે હાલમાં પૂરી થયેલી મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીમાં EVM હેક કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો!
ખુલાસો: આ ખરેખર હાસ્યાસ્પદ દાવો છે. હેકર એવું કહેવા માંગે છે કે ભાજપ 2014માં EVM હેક કરીને સત્તા પર આવ્યો છે પરંતુ તે એ ભૂલી જાય છે કે 2014માં તો કોંગ્રેસનું શાસન હતું તો ત્યારે ભાજપ એટલો શક્તિશાળી હતો કે તેણે EVM હેક કર્યા, પરંતુ પોતે જ્યારે અત્યારે સત્તામાં છે ત્યારે તેણે પોતાના હાથમાંથી ત્રણ મહત્ત્વના રાજ્યો જવા દીધા?

દાવો 2: હેકરનો દાવો છે કે EVMs એક બીજા સાથે સંપર્ક કરી શકે છે અને તેણે એક એવું સાધન ઈજાદ કર્યું છે કે તે મિલીટરીને મળતી ફ્રિકવન્સીનો ઉપયોગ કરીને EVM હેક કરી શકે છે. આ હેકરે કહ્યું હતું કે ભાજપનો IT સેલ આ જ ફ્રિકવન્સીનો ઉપયોગ કરીને EVM હેક કરે છે. 2015માં પણ ભાજપે દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં આ જ રીતે EVM હેક કરવાની કોશિશ કરી હતી પરંતુ તેની એટલેકે હેકરની ટીમે તે ફ્રિકવન્સીમાં બાધા નાખી અને AAPને મદદ કરીને એને ચૂંટણીઓ જીતાડી દીધી!

ખુલાસો: હકીકત એ છે કે કોઇપણ બહારથી લગાડવામાં આવેલા  હાર્ડવેર કે પછી સોફ્ટવેર વગર EVMs એકબીજા સાથે સંપર્ક કરી શકતા નથી. ઉપરાંત આ પ્રકારનું હાર્ડવેર એક્સટર્નલ લગાડવું પડતું હોય છે જે કોઇપણ વ્યક્તિ એટલેકે મતદાન વખતે કોંગ્રેસનો પ્રતિનિધિ પણ આસાનીથી ઓળખી શકે છે અને આજ સુધી એક પણ કિસ્સો બહાર નથી આવ્યો જેમાં આ પ્રકારે કોઈ બહારનું હાર્ડવેર EVM સાથે જોડાયેલું હોય એવો દાવો કરવામાં આવ્યો હોય. આમ ઈલેક્શન કમિશને અગાઉ પણ કહ્યું હતું તે બાબત જ સત્ય છે કે EVMs એકબીજા સાથે સંપર્ક કરી શકતા નથી, ઉપરાંત તેને એટલી બધી સુરક્ષા વ્યવસ્થા હેઠળ બનાવવામાં આવે છે કે તેને હેક કરવું અશક્ય છે.

દાવો 3: આ કહેવાતા હેકરે એવો દાવો કર્યો હતો કે જેવી એની ટીમના કેટલાક સભ્યોને ખબર પડી કે 2014ના ગુજરાત અને ઉત્તર પ્રદેશના EVMs હેક થયા છે કે તેમાંથી કેટલાકના ખૂન થઇ ગયા હતા. આ ઉપરાંત 2015ના દિલ્હી ઈલેક્શનની જેમ જ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીઓમાં પણ તેની ટીમે આ પ્રકારે ભાજપ દ્વારા EVMs હેક કરવાના પ્રયાસો નિષ્ફળ બનાવ્યા હતા.

ખુલાસો: સહુથી પહેલા એ ખુલાસો કે જો તેનો દાવો છે કે તેની ટીમના કેટલાક સભ્યોના ખૂન થઇ ગયા હતા તો પછી એ અંગે કોઈ પોલીસ ફરિયાદ કેમ ન કરી? એ તો જવા દો પણ આ ખૂન ભારતના કયા હિસ્સામાં થયા હતા એ અંગે પણ તેણે કોઈજ પુરાવા આપ્યા નથી! હવે જ્યાં સુધી હાલની ચૂંટણીઓની વાત છે તો એ પણ તેણે માત્ર હવામાં જ વાત કરી છે.

દાવો 4: ગોપીનાથ મુંડે 2014ના હેકિંગ વિષે જાણી ગયા હતા અને એટલેજ એમની હત્યા થઇ.

ખુલાસો: ખરેખર તો ગોપીનાથ મુંડેના અકાળ અવસાનનું આ ઘોર અપમાન જ કહી શકાય. જો આ હેકરને આટલી બધી માહિતી હતી તો સાડાચાર થી પોણાપાંચ વર્ષ એ ચૂપ કેમ રહ્યો અને હવે જ્યારે લોકસભાની ચૂંટણીઓ માત્ર ત્રણ મહિના જ દૂર છે ત્યારે જ કેમ આ પ્રકારનો દાવો કરી રહ્યો છે?

સીધી વાત છે કે આ કહેવાતા હેકર પાસે એક પણ પૂરાવો નથી અને આ પ્રેસ કોન્ફરન્સ પણ તેણે તેના કોઈ આકાના ઈશારે જ કરી છે જેથી આવનારી લોકસભાની ચૂંટણીઓ અગાઉ મતદાતાઓને EVM બાબતે ગેરમાર્ગે દોરી શકાય, જો એમ ન હોત તો તેણે સ્કાઇપથી નહીં પરંતુ જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હોત અને ડેમો દેખાડ્યો હોત નહીં કે પોતાનું મોઢું સંતાડીને.