દેશટેકનોલોજી

ISRO ની બેવડી સિદ્ધી : સૌથી વજનદાર બાહુબલી રોકેટ દ્વારા GSAT-29 સંચાર ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું

ISRO ની બેવડી સિદ્ધી : સૌથી વજનદાર બાહુબલી રોકેટ દ્વારા GSAT-29 સંચાર ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું

અંતરિક્ષમાં સતત પોતાની ધાક જમાવી રહેલ ભારતે આજે ફરી વાર એક મોટી સફળતાનો નવો કીર્તિમાન રચ્યો છે. ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન-ઇસરોએ બુધવારનાં રોજ સાંજે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સૌથી વધારે વજનદાર રોકેટ GSLV MK-3 D-2  બાહુબલી રોકેટ દ્વારા GSAT-29 સંચાર ઉપગ્રહ નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. ઈસરો દ્વારા શ્રીહરિકોટાથી પ્રક્ષેપણ થયેલ GSAT-29 ઉપગ્રહ ભારતનો 33 મો ઉપગ્રહ છે તેમજ શ્રીહરિકોટાથી ઈસરોનું આ 67 મુ પ્રક્ષેપણ છે.  GSAT-29 ઉપગ્રહથી દેશની સુરક્ષા તથા ઈન્ટરનેટ સ્પીડમાં વધારો થશે.

 

ISRO ની બેવડી સિદ્ધી : સૌથી વજનદાર બાહુબલી રોકેટ દ્વારા GSAT-29 સંચાર ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું

બાહુબલી રોકેટ GSLV MK-3 D-2

ઉપગ્રહ પ્રક્ષેપણ કરનાર GSLV MK-3 D-2  640 ટન વજનવાળું ઈસરોનું સૌથી વજનદાર રોકેટ છે. આ રોકેટ ભારનું સ્વદેશી રોકેટ છે. આ વિશાળ રોકેટની ઉંચાઈ 43 મીટર એટલે કે લગભગ 13 માળની ઈમારત જેટલી છે. 4 ટન સુધીના વજનદાર ઉપગ્રહને અંતરીક્ષમાં લઇ જનાર આ બાહુબલી રોકેટની ખાસ વિશેષતા એ છે કે તે ભારતના તમામ ઓપરેશનલ લોન્ચ વ્હીકલમાં સૌથી વજનદાર હોવા છતાં આકારમાં સૌથી નાનું છે.  ઈસરોનાં વૈજ્ઞાનિકોએ આ GSLV MK-3 D-2  દ્વારા થયેલ સફળ પ્રક્ષેપણને મહત્વનું ગણાવ્યું છે. કારણકે આ રોકેટનો ઉપયોગ દેશનાં મહત્વકાંક્ષી ચંદ્રયાન-2 અભિયાન અને ગગનયાન મિશન અંતર્ગત માનવયુક્ત અંતરીક્ષ મિશન માટે થવાનો છે. આ રોકેટ આવનારા ત્રણ વર્ષોમાં માનવને અંતરીક્ષમાં લઇ જશે.

 

અવકાશમાંથી દેશની રક્ષા કરશે GSAT-29 સંચાર ઉપગ્રહ

3423 કિલોગ્રામ વજન ધરાવતા GSAT-29 મલ્ટીબીમ, મલ્ટીબેન્ડ અને હાઇથ્રોપુટ સંચાર ઉપગ્રહ છે.  GSAT-29 શક્તિશાળી KU અને KA બેન્ડનાં ટ્રાન્સપોન્ડર થી સજ્જ છે જે દસ વર્ષ સુધી અવકાશમાં કામ કરતો રહેશે.  આ ઉપગ્રહ દેશનાં અંતરિયાળ વિસ્તારમાં સંદેશાવ્યવહારની અવશ્યાક્તાઓને પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. જમ્મુ-કશ્મીર અને ઉત્તર-પૂર્વી રાજ્યોને માટે વધારે મહત્વપૂર્ણ માનવામાં આવી રહેલ છે. આમાં ઉપયોગ કરવામાં આવી રહેલ પેલોડ્સ ડિઝિટલ ઇન્ડીયા કાર્યક્રમમાં મજબૂતી પણ પ્રદાન કરશે. આ ઉપગ્રહ જમ્મુ-કશ્મીરની સાથે ઉત્તર-પૂર્વી રાજ્યોને વધારે ઉત્તમ સેવા ઉપલબ્ધ કરાવવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. આનાંથી આ ક્ષેત્રોમાં ઇન્ટરનેટ પણ હાઇ સ્પીડમાં ચાલશે.

GSAT-29 ઉપગ્રહની સૌથી મોટી વિશેષતા એ છે કે જમ્મુ-કાશ્મીરથી હિન્દ મહાસાગર સુધી અવકાશમાંથી દેશની રક્ષા કરશે. આ ઉપગ્રહ જમ્મુ-કાશ્મીર અને ઉત્તરપૂર્વનાં રાજ્યો પર અવકાશમાંથી નજર રાખશે. સીમા પારથી જમ્મુ-કાશ્મીરમાં થતી ઘુસણખોરી પર નજર રાખી શકાશે. GSAT-29 પોતાના હાઈ રીઝોલ્યુશન કેમેરા જીયો-આઈ થી સમગ્ર હિન્દ મહાસાગર પર નજર રાખશે જેના દ્વારા હિન્દ મહાસાગરમાં ચીનની તમામ હલચલની પળેપળની માહિતી ભારતને સરળતાથી મળતી રહેશે.

સૌથી વજનદાર બાહુબલી રોકેટ દ્વારા GSAT-29 સંચાર ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવાં બદલ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિન્દ, ઉપરાષ્ટ્રપતિ શ્રી વેન્કૈયા નાયડુ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ અભિનંદન પાઠવ્યાં છે. આ ઉપરાંત સમગ્ર દેશ અને વિદેશમાંથી ઈસરો ને  શુભકામનાઓ અપાઈ રહી છે.